Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

દેશમાં કોરોનાને કારણે ૮,૦૦૦ કરતા વધુ લોકોના મોત નહીં થાય

એક હેલ્થ એકસપર્ટે રાહતના સમાચાર આપ્યા

બેંગલુરુ, તા.૨૭: ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે બપોર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ૧,૪૬,૩૭૬ કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં કુલ ૪,૧૮૭ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. આવામાં એક હેલ્થ એકસપર્ટે રાહતના સમાચાર આપ્યા છે. આ હેલ્થ એકસપર્ટના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો ૮,૦૦૦ કરતા ઓછો રહેશે.

ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાન, હૈદરાબાદના પ્રોફેસર જીવીએસ મૂર્તિએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસ વધવાનો સમય હવે પસાર થઈ ગયો છે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ વિશે રાજય અને જિલ્લા સ્તરે વાત થવી જોઈએ.

આ પ્રોફેસરે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જયારે ભારતમાં કેરળ, પંજાબ અને હરિયાણામાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના ૭૦ ટકા કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી છે. આ રાજયોમાં કોરોના વાયરસના કેસ વધતા સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો વધશે. હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આવું જૂન મહિનાની શરૂઆતથી લઈને જુલાઈ મહિનાના મધ્ય ભાગ સુધીમાં થઈ શકે છે.

આ પ્રોફેસરે ભારત દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા દર્દીઓની વાત કરતા જણાવ્યું કે હોસ્પિટલમાં સુવિધાઓ પર્યાપ્ત રહી અને દિશા-નિર્દેશોનું ચોક્કસ પાલન કરવામાં આવે તો કોરોના વાયરસના કારણે દેશમાં ૮૦૦૦ લોકોના મોત થવાની શકયતાઓ રહેલી છે. જેનો મતલબ એ છે કે પ્રતિ દસ લાખ વ્યકિતએ ચાર અથવા પાંચ લોકોના મોત થશે.

(10:18 am IST)