Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

SBIનો રિપોર્ટ

ભારતનો GDP દર શૂન્યથી ૬.૮% નીચે જશે

લોકડાઉનને કારણે માત્ર ૭ દિવસમાં જ અર્થતંત્રને ૧.૪ લાખ કરોડનો ધૂંબો લાગ્યો

મુંબઇ તા. ૨૭ : લોકડાઉન અને કોરોના મહામારીની ભીષણ ઝપટમાં આવેલ ભારતીય અર્થવ્યવસ્થા પર ચાલુ નાણાંકીય વર્ષમાં બહુ ખરાબ અસર પડવાની છે. એસબીઆઇના મંગળવારે બહાર પડેલ ઇકોરેપ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૦-૨૧માં ભારતનો વિકાસ દર શૂન્યથી ૬.૮ ટકા નીચે જઇ શકે છે. તો, માર્ચથી લોકડાઉન ચાલુ હોવાના કારણે ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વિકાસ દર ૧.૨ ટકા રહેવાનો અંદાજ છે.

ઇકોરેપ અનુસાર, ૨૦૧૯-૨૦ના ત્રીજા ત્રિમાસિકમાં વિકાસ દર સાત વર્ષના નીચલા સ્તરે ૪.૭ ટકા થઇ ગયો હતો, તો પહેલા ત્રિમાસિકમાં ૫.૧ ટકા અને બીજા ત્રિમાસિકમાં ૫.૬ ટકા હતો. એસબીઆઇએ કહ્યું છે કે, ચોથા ત્રિમાસિકમાં છેલ્લા અઠવાડિયામાં લોકડાઉનના કારણે ઉદ્યોગધંધાઓ સંપૂર્ણપણે ઠપ થઇ ગયા હતા. આના લીધે જાન્યુઆરી - માર્ચના ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ૧.૨ ટકા રહી શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉનના કારણે ફકત ૭ દિવસમાં અર્થવ્યવસ્થાને ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ધૂંબો લાગ્યો હતો. સાથે જ નવા વર્ષના શરૂઆતના બે મહિના લોકડાઉનના કારણે વિકાસદર શૂન્યથી પણ ઓછો થઇ ગયો છે. એવો અંદાજ છે કે જીડીપી વૃધ્ધિ દર ૬.૮ ટકા સુધી ઘટી શકે છે. લોકડાઉનમાં થયેલ કુલ નુકસાનના ૫૦ ટકા રેડ ઝોનમાં છે જેમાં દેશના મોટાભાગના મોટા જિલ્લાઓ આવે છે.

(10:17 am IST)