Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

એમેઝોનનાં જંગલોમાં પણ કોરોના વાયરસ પહોંચ્યો !!: 60 જનજાતિઓનાં આદિવાસી સંક્રમિત : 125ના મોત

આદિવાસીઓ જંગલમાં બહારના કોઈ વ્યક્તિને આવવા દેતા નથી તો આ ચેપ લાગ્યો કેમ ? સરકાર ચિંતિત

અમદાવાદ : કોરોના વાયરસ તે વિસ્તારો અને જંગલોમાં પણ પહોંચી ગયો છે, જ્યાં એક સમયે સામાન્ય માણસો પણ જવામાં ખચકાતા હતા. આ ખતરનાક અને દુનિયાનાં ફેંફ્સા કહેવાતા એમેઝોન ફોરેસ્ટ છે. બ્રાઝિલના એમેઝોન જંગલોમાં હાજર આદિવાસીઓમાં પણ વાયરસનો ચેપ ફેલાયો છે. આ કારણે સેંકડો આદિવાસી લોકોનાં મોત નીપજ્યાં છે.

  બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં હાલમાં 60 જાતિના આદિવાસીઓ વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધી અહીં 980 કેસ આવ્યા છે. 125 લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલના અધિકારીઓ, જેમણે એમેઝોન વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં પાયાની આરોગ્ય સુવિધાઓની તીવ્ર અછત છે. અહીં ચેપ ઝડપથી ફેલાય છે. એમેઝોનના જંગલોમાં કોરોના વાયરસ કોવિડ-19નો મૃત્યુદર 12.6 ટકા છે. જોકે, બ્રાઝિલમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ દર 6.4 ટકા છે. બ્રાઝિલમાં લગભગ 9 લાખ આદિવાસી લોકો છે. તેઓ જંગલોથી ઘેરાયેલા ગામોમાં રહે છે.

  એપ્રિલમાં, પ્રથમ આદિવાસી વ્યક્તિનું એમેઝોનમાં વાયરસથી મૃત્યુ થયું હતું. તે 15 વર્ષનો હતો. હવે બ્રાઝિલની સરકાર એ જાણવાના પ્રયાસો કરી રહી છે કે,આ જાતિના લોકો કોઈ પણ બાહ્ય વ્યક્તિને તેમના વિસ્તારમાં આવવા દેતા નથી. આવી સ્થિતિમાં, આ જંગલોમાં કોરોના વાયરસનો ચેપ કેવી રીતે ફેલાયો? આઇસીયુ હોસ્પિટલો 90 ટકા આદિવાસી સમુદાયના ગામોથી ઓછામાં ઓછી 320 કિમી દૂર છે. જ્યારે, તેઓ 10 ટકા આદિવાસી ગામોથી 700 થી 1100 કિમી દૂર છે. જ્યારે કોઈ બીમાર હોય, ત્યારે તે વ્યક્તિને પહેલા બોટથી બાદમાં પ્લેનથી હોસ્પિટલમાં લઈ જવી પડે છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 363,211 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જોકે, 22,666 લોકોનાં મોત નીપજ્યાં છે.

(12:15 am IST)