Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ આપતી એકેડમી ભારતમાં કાર્યાલય શરૂ કરવાની તૈયારીમાં

મુંબઈમાં ઓફિસ શરુ કરવા પસંદગી ;મહારાષ્ટ્ર સરકારએ પરવાનગી આપી દીધી

મુંબઈ :દર વર્ષે હોલીવુડની ફિલ્મો માટે કલાકારોને પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ આપતી એકેડેમી એવોડ્‌ર્સ એટલે કે એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સીસ સંસ્થાએ ભારતમાં તેનું કાર્યાલય શરૂ કરવાનું નક્કી કર્યું છે અને એ માટે તેણે મુંબઈ શહેરને પસંદ કર્યું છે. આ બોલીવૂડ ફિલ્મી નગરીમાં કાર્યાલય શરૂ કરવાની એકેડેમી એવોડ્‌ર્સ સંસ્થાને મહારાષ્ટ્ર સરકારે પરવાનગી આપી દીધી છે.એશિયા ખંડમાં એકેડેમીની આ પહેલી જ ઓફિસ હશે.

  એકેડેમીની હાલ બે ઓફિસ છે. એક, લંડનમાં અને બીજી ન્યુયોર્કમાં. ઓસ્કર એકેડેમીનાં પ્રમુખ જ્હોન બેલી શનિવારે મુંબઈમાં મહારાષ્ટ્રનાં સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેને મળ્યા હતા અને ત્યારબાદ તાવડેએ ટ્‌વીટર પર સમાચાર રિલીઝ કર્યા હતા. તાવડેએ બેલીને આવકાર્યા હતા અને એમની સાથેની તસવીર પોતાના ટ્‌વીટર હેન્ડલ પર પોસ્ટ કરી હતી.

  તાવડેએ કહ્યુ કે, મુંબઈમાં ઓસ્કર ઓફિસ શરૂ કરવા માટે ભારતની મનોરંજન રાજધાનીએ તેના દ્વાર ખોલી દીધા છે અને મહારાષ્ટ્ર સરકારે પણ એ માટે પરવાનગી આપી દીધી છે. જ્હોન બેલીએ કહ્યુ કે, ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માણ કરતો દેશ છે. આ દેશ દર વર્ષે 1800 ફિલ્મ બનાવે છે, જે અમેરિકામાં અમારી કરતાં ચાર ગણી મોટી સંખ્યા છે. તેથી મુંબઈમાં અમારી ઓફિસ શરૂ કરવાનો અમારો તર્ક યોગ્ય છે. જ્હોન બેલી એમના પત્ની કેરોલ સાથે મુંબઈની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. એમના પત્ની એકેડેમી એવોડ્‌ર્સ સંસ્થાનાં ગવર્નર છે. ઓસ્કર એકેડેમીનાં પ્રમુખ ભારત આવ્યા હોય એવો સંસ્થાનાં 90 વર્ષનાં ઈતિહાસમાં આ પહેલો જ પ્રસંગ છે

(12:07 am IST)