Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

હવે વ્યાજદરમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના

૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે : છઠ્ઠી જૂનના દિવસે આરબીઆઈ માટેની પોલિસી સમીક્ષા બેઠક થશે : આરબીઆઈની મિટિંગ ઉપર તમામનું ધ્યાન

નવી દિલ્હી, તા. ૨૭ : મોદીના નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતિ મળી ગયા બાદ વ્યાજદરની વ્યવસ્થા વધુ સરળ અને હળવી કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની આગામી દ્વિમાસિક પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકે છે. ૨૬મી જૂનના દિવસે રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવશે. વિકાસદરને વધારવાના ઇરાદા સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. મોનીટરી પોલિસીને લઇને હાલમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત બે વખત ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. જે સંકેત આપે છે કે, આ વખતે પણ વ્યાજદરમાં વધુ ઘટાડો થઇ શકે છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટે વિકલ્પો રહેલા છે. કારણ કે વિકાસની ગતિને વધુ તીવ્ર કરી શકાય છે. આ વર્ષે વિકાસદરને વધારવા માટે ફુગાવા ઉપર નજર રાખવામાં આવી રહી છે. ફુગાવો હજુ પણ આ વર્ષે ચાર ટકાથી ઓછો રહ્યો છે. ગ્રોથ અંદાજ કરતા નીચો રહ્યો છે. ઇન્ડિયા રેટિંગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સિસ્ટમમાં અપેક્ષિત લિક્વિડીટીથી સ્થિતિને સુધારી શકાય છે. આરબીઆઈ દ્વારા તેનું વલણ હળવું કરવામાં આવી રહ્યું છે કે, નવી સરકાર આવ્યા બાદ વ્યાજદરમાં ઘટાડો જારી રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ સંકેત આપી ચુક્યા છે કે, તેઓ માર્કેટમાં લિક્વિટીડીની ખાતરી કરવા માટે તમામ સંભવિત સાધનોનો ઉપયોગ કરશે. જો કે, તેઓએ વ્યાજદરના સંદર્ભમાં કોઇપણ પ્રકારના સંકેત હાલમાં આપ્યા નથી. દાસનું કહેવું છે કે, વ્યાજદરમાં ઘટાડો કરવાનો અવકાશ રહેલા છે. સિન્ડિકેટ બેંકના એમડી અને સીઈઓ મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા સતત રેટમાં ઘટાડાના કારણે બેંકોની મર્યાદિત સંખ્યાના ધિરાણદરમાં તેની સીધી અસર જોવા મળશે. બેઠક આડે હજુ કેટલાક દિવસો રહ્યા છે ત્યારે આરબીઆઈ વ્યાજદરને લઇને કેવું વલણ અપનાવે છે તેના ઉપર તમામની નજર છે. નવી સરકાર કેન્દ્રમાં બની રહી છે. ૩૦મી મેના દિવસે નવી સરકારના શપથ સાંજે સાત વાગે થશે.

હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે પ્રચંડ બહુમતિ મેળવી લીધી છે. ૩૦૩ સીટો પાર્ટીએ જીતી છે.

આરબીઆઈનું વલણ....

નવીદિલ્હી, તા. ૨૭ : આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હવે યોજાનાર છે ત્યારે વ્યાજદરને લઇને ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી આરબીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

બેઠક તારીખ.............................. વ્યાજદર (ટકામાં)

બીજી ઓગસ્ટ ૨૦૧૭......................................... ૬

છઠ્ઠી જૂન ૨૦૧૮........................................... ૬.૨૫

ત્રીજી ઓગસ્ટ ૨૦૧૮................................... ૬.૫૦

પાંચમી ઓક્ટોબર ૨૦૧૮............................. ૬.૫૦

છઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૯................................... ૬.૨૫

ચોથી એપ્રિલ ૨૦૧૯.......................................... ૬

(7:43 pm IST)