Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લોકસભા બાદ રાજ્યસભામાં એનડીએ બહુમતિ મેળવી લેશે

૨૦૨૧-૨૨ સુધી રાજ્યસભામાં બહુમતિ થશે : બંને ગૃહોમાં બહુમતિ બાદ મહત્વના બિલ વધારે સરળરીતે પાસ કરી શકાશે : બહુમતિ માટે વધુ ૨૪ સભ્યોની જરૂર

નવી દિલ્હી, તા. ૨૭ : લોકસભા ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત સાથે વાપસી થઇ છે. અલબત્ત રાજ્યસભામાં પાર્ટી હજુ પણ બહુમતિથી દૂર દેખાઈ રહી છે. ભાજપ અને એનડીએને બહુમતિ માટે રાજ્યસભામાં વધુ ૨૪ સાંસદોની જરૂર દેખાઈ રહી છે. જાણકાર રાજ્યસભાના લોકોનું કહેવું છે કે, ૨૦૨૧-૨૦૨૨ સુધી રાજ્યસભામાં પણ ભાજપ બહુમતિ સુધી પહોંચી શકે છે. બંને ગૃહોમાં બહુમતિ મળી ગયા બાદ સરકારને મહત્વપૂર્ણ બિલને પાસ કરાવવાની બાબત ખુબ જ સરળ બની જશે. ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં હજુ ભાજપના સૌથી વધારે ૭૩ સભ્યો છે. એનડીએમાં ભાજપના સાથી પક્ષ જેડીયુના છ, અકાણી દળના ત્રણ, શિવસેનાના ત્રણ, આરપીઆઈએના એક સાંસદોની મદદથી એનડીએના સભ્યોની સંખ્યા ૮૬ પહોંચી જાય છે. અન્નાદ્રમુકના ૧૩ રાજ્યસભા સાંસદ પણ મોટાભાગે સરકારના સમર્થનમાં રહે છે. આની સાથે જ આ સંખ્યા વધીને ૯૯ થઇ જાય છે. રાજ્યસભામાં બહુમતિ સુધી પહોંચવા માટે એનડીએને ૨૪ સાંસદોની જરૂર દેખાઈ રહી છે. રાજ્યસભામાં બહુમતિ માટેનો આંકડો ૧૨૩નો છે. ક્ષેત્રિય પાર્ટીઓ જેમ કે, ટીઆરએસ છ, વાયએસઆરસીપી ૨, બીજેડીના નવ સાંસદો છે. એનડીએને જુદા જુદા મુદ્દા ઉપર આમાથી અનેક પાર્ટીઓ સમર્થન આપવામાં ક્યારેય પીછેહઠ કરતી નથી. છ સ્વતંત્ર સાંસદ પણ એનડીએમાં છે. ભાજપના નેતાઓ હવે દાવો કરી રહ્યા છે કે, ૨૦૨૧માં એનડીએ રાજ્યસભામાં પણ બહુમતિ હાંસલ કરી લેશે. આગામી વર્ષે આસામની બે સીટો ખાલી થશે. કારણ કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કુજુરની અવધિ પૂર્ણ થઇ રહી છે. આ બંનેની અવધિ ૧૪મી જૂનના દિવસે પૂર્ણ થશે. આસામ ક્વોટાની આ બેસીટો ભાજપના ખાતામાં જશે. કારણ કે, ત્યાં હાલમાં ભાજપની સરકાર છે. ચૂંટણી પહેલા રામવિલાસ પાવાનની સાથે રાજ્ય સભા સીટ માટે સમજૂતિ થઇ છે.

(7:40 pm IST)