Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત : પુષ્પ વર્ષા કરાઈ

પુષ્પ વર્ષા માટે ૨૦ ક્વિન્ટલ ગુલાબની વ્યવસ્થા : સમગ્ર વારાણસી ભગવામય : સમગ્ર શહેરમાં ધ્વજ અને બેનરો તેમજ ભગવા રંગના ફુગ્ગા લગાવી દેવામાં આવ્યા

વારાણસી, તા. ૨૭ : લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્રજાનો આભાર માનવા માટે પહોંચ્યા હતા. મોદીનું વારાણસીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોદીના સ્વાગતમાં લોકો માર્ગની બંને બાજુએ ઉભા રહેલા નજરે પડ્યા હતા. પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન ઉપર પુષ્પ વર્ષા કરવા માટે ૨૦ ક્વિન્ટલ ગુલાબની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોદીના સ્વાગત માટે સમગ્ર શહેરમાં ધ્વજ અને બેનરો અને ભગવા રંગના ફુગ્ગાઓ લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન આજે સવારે ૯.૩૦ વાગે વારાણસી પહોંચી ગયા હતા. રાજ્યપાલ રામ નાયક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરને પણ ફુલમાળાઓથી વિશેષરીતે શણગારવામાં આવી હતી. મોદી પોલીસ લાઈનથી વિશ્વનાથ મંદિર સુધી સાત કિલોમીટરના અંતરમાં ખુબ ધીમી ગતિએ પહોંચ્યા હતા. લોકોને મળી શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. એકરીતે બિનઘોષિત રોડ શોની જેમ આનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત નરેન્દ્ર મોદી કારોબારી વડાપ્રધાન તરીકે કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યા હતા. ૩૦મી મેના દિવસે દેશના વડાપ્રધાન તરીકે તેઓ ફરી શપથ લેનાર છે. ૨૦ ક્વિન્ટલ ગુલાબની વ્યવસ્થા આજે કરવામાં આવી હતી. કાશી વિસ્તારના નાયબ અધ્યક્ષ અને મિડિયા પ્રભારી ધર્મેન્દ્રસિંહે માહિતી આપતા કહ્યું હતું કે, સમગ્ર કાશી ભગવા મય કરી દેવામાં આવ્યું હતું. કાશીમાં પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકરો રસ્તામાં જુદી જુદી જગ્યા પર મોદીના સ્વાગત માટે નજરે પડ્યા હતા. મોદી આ પહેલા ૨૫મી એપ્રિલના દિવસે ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા કાશી પહોંચ્યા હતા. તે વખતે રોડ શો બાદ માં ગંગાની આરતી કરવામાં આવી હતી. હવે જીત બાદ વારાણસી પહોંચ્યા છે. અડધા કલાકની આસપાસ પુજા ચાલી હતી. મોદીના પૂજા દર્શન બાદ પોલીસ લાઈન થઇને તેઓ આગળ વધ્યા હતા. મતદારો અને બૂથ સ્તર પર કાર્યકરોને પણ મળ્યા હતા. કાર્યકરોનો તેઓએ જોરદાર આભાર પણ માન્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના શાહી સ્વાગત માટે તમામ તૈયારી કરવામાં આવી હતી. બૂથ પ્રમુખો સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, મોદી ગઇકાલે રવિવારના દિવસે ગુજરાત પહોંચ્યા હતા.

(7:36 pm IST)