Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રાયબરેલીના લોકોને સોનિયાનો પત્રઃ કુરબાની આપવી પડશે તો પાછળ નહીં હટું'

મારી જિંદગી આપ સૌની સામે એક ખુલ્લા પુસ્તકની જેમ રહી છું. તમે મારા પરિવારની જેમ છો, આપથી મને હિંમત મળી છે અને આજ મારી મૂડી છે : સોનિયા ગાંધીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે, મને આભાસ છે કે આવનારો સમય કઠિન હશે

નવીદિલ્હી, તા.૨૭: યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે દેશના મૂલ્યોની રક્ષા કરવા માટે તેઓ દરેક પ્રકારના બલિદાન માટે તૈયાર છે. સાથોસાથ, ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્રથી લોકસભા ચૂંટણી ૨૦૧૯ જીત્યા બાદ રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો. રાયબરેલીના લોકોના નામ સંબોધિત એક પત્રમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોતાની ભાવનાઓ વ્યકત કરી છે.

આ ખુલ્લા પત્રમાં સોનિયા ગાંધીએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો પણ આભાર માન્યો છે કે તેઓએ તેમની વિરુદ્ઘ કોઈ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઊભો ન રાખ્યો. આ પત્રમાં ગાંધીએ કહ્યું કે હું આપને વાયદો કરું છું કે દેશના પાયાના મૂલ્યોની રક્ષા કરવા અને કોંગ્રેસના પૂર્વજોની મહાન પરંપરાને કાયમ રાખવા માટે, મારે જે પણ કુરબાની આપવી પડશે, હું પાછળ નહીં હટું.

ગાંધીએ કોઈનું નામ લીધા વગર કહ્યું કે તેમને આભાસ છે કે આવનારો સમય કઠિન હશે, પરંતુ તેઓ તેના માટે પણ તૈયાર છે. તેઓએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આપના સહયોગ અને વિશ્વાસના દમ પર કોંગ્રેસ પાર્ટી દરેક પડકારનો મજબૂતાઈથી સામનો કરશે.

સોનિયા ગાંધીએ પણ કહ્યું કે તેઓએ હંમેશા રાયબરેલીને પોતાના પરિવારની જેમ સમજયું છે અને મોટા પરિવારની જેમ તેનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, મારી જિંદગી આપ સૌની સામે એક ખુલા પુસ્તકની જેમ રહી છે. તમે મારા પરિવારની જેમ છો. આપથી મને હિંમત મળી છે અને આજ મારી મૂડી છે. લોકસભા ચૂંટણીમાં આપની જીત માટે સોનિયાએ રાયબરેલીની જનતાની સાથોસાથ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને તમામ શુભચિંતકો સહિત તે પાર્ટીઓ પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો જેઓએ તેમના ચૂંટણી રણ જીતવાની રાહ સરળ કરી.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની વેબસાઇટના આંકડાઓ મુજબ, સોનિયા ગાંધીએ રાયબરેલી સીટથી ભાજપના દિનેશ પ્રતાપ સિંહને ૧.૬૭ લાખથી વધુ વોટોના અંતરથી હરાવ્યા છે.

(3:52 pm IST)