Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

હરિયાણાના મહાભયાનક અગ્નિકાંડે ૪૪ર ભોગ લીધેલઃ વળતર હજી નથી મળ્યું

૧૯૯પમાં હરિયાણામાં દેશનો સૌથી મોટો અગ્નિકાંડ સર્જાયેલઃ રપ૮ બાળકોઃ ૧૩૬ મહિલાઓ જીવતા સળગી ગયેલ

ડબવાલી (સિરસા-હરિયાણા) તા. ર૭ :.. ર૩ ડીસેમ્બર ૧૯૯પ, આ દિવસ યાદ આવતા જ અહીં લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. છેલ્લા અઢી દાયકાથી દર્દની આગ લોકોના દિલમાં રહી રહીને સળગતી રહે છે. અને ભૂલાય પણ કેવી રીતે કેમ કે તે દિવસે પ મીનીટના સમય ગાળામાં ૪૪ર લોકો જીવતા ભૂંજાઇ ગયા હતાં. અંતિમ સંસ્કાર માટે સ્મશાન પણ નાનું પડયું હતું.

વાત ર૩ ડીસેમ્બર ૧૯૯પ ની છે જયારે અહીંના રાજીવ પેલેસમાં ડબવાલીની ડીએવી શાળાનું વાર્ષિક ફંકશન ચાલી રહ્યું હતું. ત્યારે જ અચાનક આગ લાગી અને ખુશીનું વાતાવરણ માતમમાં ફેરવાઇ ગયું. બચાવો બચાવોની ચીસો વચ્ચે ૪૪ર લોકો બળીને મરી ગયા, જેમાં ૧૩૬ મહિલાઓ અને રપ૮ બાળકો સામેલ હતાં. અત્યાર સુધીનો આ દેશનો સૌથી મોટો અગ્નિકાંડ માનવામાં આવે છે, જેમાં એક સાથે આટલા લોકો મરી ગયા હોય.વાર્ષિક ફંકશન દરમ્યાન મંડપના ગેટ પર શોર્ટ સર્કિટ થઇ અને મીનીટોમાં આગની ચપેટમાં આખો મંડપ આવી ગયો. મંડપની બાજુમાં જ રસોડું હતું જેમાં ગેસ સીલીન્ડર હતા જે આગની ઝપટમાં આવ્યા એટલે પરિસ્થિતી વધુ ગણસી હતી. વિજળીના તારમાં પણ આગ લાગી હતી અને નજીકમાં રખાયેલા જનરેટરમાં પણ ડીઝલ હોવાથી તેમાં પણ આગ લાગી હતી.

મંડપમાં ઉપરની બાજુ તાડપત્રી હતી. તાડપત્રીના પોલીથીનમાં આગ લાગતા તે ઓગળીને નીચેના લોકો પર પડી અને જોતજોતામાં લાશોના ઢગલો થઇ ગયો. બનાવ વખતે મંડપમાં ૧પ૦૦ લોકો હતા.

બનાવ પછી સ્કુલમાં લાશોના ઢગલા થઇ ગયા હતા તે વખતે પરિસ્થિતિ એવી હતી કે લોકોના અંતિમ સંસ્કાર માટે દફનાવવા કે બાળવા માટે કબ્રસ્તાન કે સ્માશાનમાં જગ્યા ઓછી પડી હતી. જેના કારણે લોકોને ખેતરમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

દાઝેલાની સારવાર માટે ડબવાલીની સિવિલ હોસ્પીટલમાં ક્ષમતા પણ નહોતી એટલે ઘણા દાઝેલાઓને આજુબાજુના શહેરોમાં મોકલવા પડયા હતા. લુધીયાણાની ક્રિશ્ચીયન મેડીકલ કોલેજમાં  ૬ પેશન્ટની ક્ષમતા હતી ત્યાં ૩ર પેશન્ટને મોકલાયા હતા. ગુસ્સે થયેલા પ૦૦૦ લોકોના ટોળાએ વિરોધ પ્રદર્શિત કરીને પોલીસને ઘટના સ્થળેથી લાશ લઇ જતા રોકાયા હતા.

જાન્યુઆરી ર૦૦૩માં આ બનાવની તપાસ માટે એક વ્યકિતનું તપાસ પંચ નિમવામાં આવ્યું હતું જેને અસરગ્રસ્તોના પરિવારને વળતરની રકમ નકકી કરવાની જવાબદારી પણ સોંપાઇ હતી. જસ્ટીસ ટી.પી.ગર્ગના આ પંચે પોતાનો રીપોર્ટ આપવામાં ૬ વર્ષ લગાડયા હતા તેમણે ૧૮ કરોડ કુલ વળતરની રકમ નકકી હતી જે પંજાબ અને હરિયાણા કોર્ટે વધારીને ૩૪ કરોડ રૂપિયા કરી હતી અને ચુકવણી મોડુ થવાના સયમગાળા માટે ૬ ટકા વ્યાજ ચુકવવાનો પણ આદેશ આપ્યો હતો. આ પૈસા ડીએવી ટ્રસ્ટ અને હરિયાણા સરકારે સંયુકત રીતે ચુકવવાના હતા જે ૪૪૬ અસરગ્રસ્તોના કુટુંબ વચ્ચે વહેંચવાના હતા.

ડીએવી ટ્રસ્ટે તેની સામે અપીલ કરતા જણાવ્યું કે વળતરની રકમ વધુ પડતી છે અને અસરગ્રસ્તોના પરિવારને વળતર ચુકવવાની જવાબદારી અમારી નથી તેના જવાબમાં કોર્ટે કહ્યું કે ફાયર સેફટી માટેની યોગ્ય સુવિધા તેમણે ચેક નહોતી કરી અને અપીલ સાંભળતા પહેલા વચગાળાના વળતર તરીકે ૧૦ કરોડ રૂપિયા ચુકવવાનો તેમને આદેશ કર્યો હતો.ડબવાલી ફાયર વિકટીમ એસોસીએશનના સભ્યોની લાગણી છેકે આવી દુર્ઘટના ફરીથી ન થાય તે માટેના જરૂરી પગલાઓ સરકાર દ્વારા આટલા વર્ષો પછી પણ નથી લેવાયા.

(3:43 pm IST)