Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કેવી હશે મોદીની નવી કેબિનેટ?

જેડીયુ-અનાડીએમકેને પણ મળી શકે છે પ્રતિનિધિત્વ

નવીદિલ્હી, તા.૨૭:  મોદી સરકારની નવી કેબિનેટ માટે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ નવી કેબિનેટમાં કેટલીક નવી પાર્ટીઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નવી પાર્ટીઓમાં જેડીયૂ અને એઆઈએડીએમકે (અન્ના દ્રમુક) ઉપરાંત નાની પાર્ટીઓને પણ તક આપવામાં આવી શકે છે.

મોદી સરકારની આ નવી કેબિનેટમાં દક્ષિણ ભારતની પાર્ટીઓને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે. નવી મોદી મંત્રીપરિષદમાં પશ્યિમ બંગાળ તથા તેલંગાના જેવા રાજયોના વધુ ચહેરા દેખાઈ શકે છે. જેડીયૂ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે કેબિનેટમાં જેડીયૂને એક પદ મળવાની મહોર લાગી ચૂકી છે અને આ ઉપરાંત એક રાજયમંત્રીનું પદ પણ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી ગુરુવારે વડાપ્રધાન તરીકે પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લેવાના છે.

જોકે, પીએમ મોદીએ પોતાના તમામ નેતાઓ અને સાથી પાર્ટીઓના નેતાઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે મીડિયાની અટકળો મુજબ મંત્રીપદની અપેક્ષા ન રાખો. જોકે, આ વખતે પણ સંસદીય દળની બેઠકમાં થયેલી ચર્ચામાં એવું જ બહાર આવ્યું છે કે અગાઉની કેબિનેટના અનેક લોકોને આ નવી કેબિનેટમાં પણ તક આપવામાં આવી શકે છે.

મળતી જાણકારી મુજબ રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા અગાઉની કેબિનેટના સિનિયર ચહેરા નવી કેબિનેટનો પણ હિસ્સો બની શકે છે. એવી પણ ચર્ચાઓ આલી રહી છે કે ગાંધીનગરથી મોટા અંતરથી જીત નોંધાવનારા ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ નવી કેબિનેટમાં મહત્વપૂર્ણ પદ આપવામાં આવી શકે છે. અરૂણ જેટલી પર સવાલ?

અરુણ જેટલીના સ્વાસ્થ્ય કારણોને લઈ કદાચ નવી કેબિનેટનો હિસ્સો ન બને. જેટલીને લઈને પણ સરકાર અનેકવાર સ્પષ્ટીકરણ આપી ચૂકી છે કે તેમની તબિયત ઠીક છે અને તેને લઈને મીડિયામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે આધારહીન વે. સરકારના મુખ્ય પ્રવકતા અને પીઆઈબીના મહાનિદેશક સીતાશું કરે ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને મીડિયાના એક જૂથમાં જે રિપોર્ટ્સ છે, તે ખોટા અને પાયાવિહોણા છે. મીડિયાને સલાહ આપવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહો.

ભાજપ સાથે જોડાયેલા રાજયસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યું કે હવે જેટલીની સારવાર પૂરી થઈ ચૂકી છે અને તેઓ ઝડપથી તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. દાસગુપ્તાએ કહ્યું કે તેઓ હજુ પણ અધિકારીઓને મળી રહ્યા છે. સાંસદે ટ્વિટ કર્યું કે, અરુણ જેટલીના સ્વાસ્થ્યને લઈ ચિંતાઓ સમજી શકાય છે. તેઓ સારવાર બાદ ઠીક થઈ રહ્યા છે. પરંતુ તેઓ હજુ પણ જોરદાર ફોર્મમાં છે તેમનો જુસ્સો અને સમજ કાયમ છે. પોતાની તાકાત પરત મેળવવા માટે તેમને થોડા આરામની જરૂર છે. અમારી શુભેચ્છાઓ.

પીટીઆઈ સૂત્રો મુજબ, લોક જનશકિત પાર્ટી (એલજેપી)ના ચીફ રામવિલાસ પાસવાને દીકરા ચિરાગ પાસવાનને કેબિનેટમાં સામેલ કરવાની ઈચ્છા વ્યકત કરી છે. રામવિલાસ પોતે અગાઉની સરકારમાં મંત્રી હતા અને સૌથી સિનિયર સાંસદોમાંથી એક છે. ૨૦૧૯માં એલજેપીએ ૬ સીટો પર જીત મેળવી છે અને ચિરાગ જમુઈથી ફરી જીતીને આવ્યા છે.

AIADMK આ વખતે માત્ર એક જ સીટ જીતી શકી છે પરંતુ નવી સરકારમાં તેને એક મંત્રી પદ આપવામાં આવી શકે છે કારણ કે તે તમિલનાડુમાં સત્ત્।ામાં છે અને દક્ષિણ ભારતમાં ભાજપની મુખ્ય સહયોગી છે. પશ્યિમ બંગાળથી પણ કેબિનેટમાં એક ચહેરો સામેલ કરવામાં આવી શકે છે કારણ કે આ વખતે ભાજપે આ રાજયમાં ચોંકાવનારું પ્રદર્શન કરતાં ૧૮ સીટો જીતી છે. ભાજપને તેલંગાનામાં પણ ૪ સીટો મળી છે અને ત્યાંથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

(11:50 am IST)