Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દેશની ૨૩ IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા

અતિ કડક પ્રબંધો વચ્ચે ગુજરાતના ૮ હજાર સહિત દેશભરના અઢી લાખ છાત્રો પરીક્ષા આપશે : ૪ જૂને આન્સર કી અને ૧૪મી જૂને પરિણામ જાહેર થશે

રાજકોટ, તા. ૨૭ : દેશની ૨૩ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી આઈઆઈટીમાં પ્રવેશ માટે આજે દેશભરમાં જેઈઈ એડવાન્સ પરીક્ષા લેવાઈ રહી છે.

રાજકોટમાં ૧૧૦૦થી વધુ મળી સમગ્ર ગુજરાત રાજયમાં ૮૦૦૦ વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી છે તો સમગ્ર દેશમાં આઈઆઈટીમાં પ્રવેશ માટે અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આજે જેઈઈ એડવાન્સ પરીક્ષા બે સેશનમાં લેવાનાં છે. રાજકોટમાં એક સેન્ટર ઉપર કડક સુરક્ષા વચ્ચે ન્યાયિક માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. જેઈઈ એડવાન્સની આન્સર કી ૪ જૂને જાહેર થશે અને તેનું પરિણામ ૧૪મી જૂને જાહેર થશે.

જેઈઈ એડવાન્સની પરીક્ષાનું સંચાલન આ વખતે આઈઆઈટી રૂરકી દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજકોટ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભુજ, ગાંધીનગર, વડોદરા અને સુરતના સેન્ટરોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.

જેઈઈ એડવાન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને દેશની ૨૩ આઈઆઈટીની ૧૨ હજાર બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓને જેઈઈ એડવાન્સના મેરીટના આધારે રાજયોની નામાંકિત ટેકનીકલ સંસ્થાઓમાં પ્રવેશ આપવામાં આવશે.

(11:41 am IST)