Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મધ્યમ વર્ગ ઉપર રાહતોનો વરસાદ વરસશે

ટેક્ષ છૂટ-સસ્તા વીમાની ભેટ મળે તેવી શકયતાઃ પેન્શન નિયમોમાં ધરખમ ફેરફારો થશેઃ રોકાણ પર છૂટની સીમા ૧.પ૦ લાખ કરવા તૈયારીઃ ટેક્ષ સુધારાનું પણ એલાન થશે

નવી દિલ્હી તા. ર૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી સત્તા પર આવનાર એનડીએ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગને ટેકામાં છૂટ અને સસ્તા વિમા સહિત ઘણા પ્રકારની છૂટછાટો આપી શકે છે. સાથે જ પેંશનના નિયમોમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

નવી સરકાર જુલાઇમાં પુર્ણ બજેટ રજૂ કરશે, જેમાં કેટલાય ટેક્ષ સુધારાઓની પણ જાહેરાત થઇ શકે છે. કર નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા પોતાના વચગાળાના બજેટને રજૂ કર્યા પછી નાણાપ્રધાન પીયુષ ગોયલે કહયું હતું કે જૂલાઇમાં જયારે પુર્ણ બજેટ રજૂ થશે ત્યારે તેમાં મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગનું ધ્યાન રખાશે. એટલે આશા છે કે પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને ઘણી છૂટછાટો મળશે. નાણા મંત્રાલયે પૂર્ણ બજેટ માટે ઉદ્યોગ જગત અને અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

આ વખતે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સરકારે પાંચ લાખ સુધીની આવકને કરમુકત કરી હતી સાથે જ ૪૦ હજારનું સ્ટાન્ડર્ડ ડીડકશન પણ આપ્યું હતું. સુત્રોનું કહેવું છે કે પૂર્ણ બજેટમાં પણ સરકાર તે ચાલુ રાખશે. સાથે જ કેટલીક વધુ  છૂટછાટો પણ  આપી શકે છે જેનો સંકેત પિયુષ ગોયલે વચગાળાના બજેટમાં આપ્યો હતો.

હાલનો ટેક્ષ કાયદો પ૮ વર્ષ જૂનો છે. સપ્ટેમ્બર ર૦૧૭ માં વડાપ્રધાન મોદીએ કહયું હતું કે હાલનો ટેક્ષ કાયદો બહુ જૂનો થઇ ગયો છે. અને તેમાં ઘણા ફેરફારોની જરૂર છે. નવા સુધારાઓ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરાઇ હતી જેનો રિપોર્ટ ૩૧ જૂલાઇ ર૦૧૯ ના આવવાનો છે.

અત્યારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને પેન્શન નિયામક વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) પેન્શન માટેની નિયામક સંસ્થાઓ છે. આ બન્ને માટે એક નિયામક બનાવવાની તૈયારી છે. સાથે જ નેશનલ પેન્શન સીસ્ટમ (એનપીએસ) અને કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ને એક બીજામાં બદલવાની (પોર્ટેબીલીટી) ની પરવાનગી આપી શકાય છે.

હાલમાં સરકાર હોમલોન પર ર.૬૭ લાખ સુધીની સબસીડી આપે છે. સુત્રોનું કહેવું છે કે નવી સરકાર તેને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત પુર્ણ બજેટમાં કરી શકે છે. સિકયોર નાઉના પ્રબંધ નિર્દેશક અભિષેક બોદિયાએ જણાવ્યું કે જીએસટીના કારણે ઘરનો વિમો અત્યારે બહુ મોંઘો છે. સરકાર જો તેના પર છૂટછાટો આપે તો તે ર૦ ટકા સસ્તો થશે.

(11:10 am IST)