Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લોકસભામાં પહોંચેલા ૨૩૩ સાંસદો દાગીઃ ૪૭૫ છે કરોડપતિ

એડીઆરનો રીપોર્ટઃ ભાજપના ૨૬૫ તો શિવસેનાના બધા સાંસદો કરોડપતિઃ કોંગ્રેસના ૪૩ સાંસદો કરોડપતિ છેઃ સૌથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદમાં કમલનાથના પુત્ર નકુલનાથનો સમાવેશ થાય છેઃ ૧૫૯ સાંસદો સામે ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છેઃ ૧૯ મહિલા સાંસદો દાગીઃ ૭૩ ટકા સ્નાતક છે સાંસદોઃ આ વખતે સંસદમાં પહોંચનાર કરોડપતિઓની સંખ્યા વધીઃ મુસ્લિમ સાંસદોની સંખ્યા ગયા વખતે ૨૨ હતી આ વખતે ૨૬ની થઈ

નવી દિલ્હી, તા. ૨૭ :. લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર ભરોસો વ્યકત કર્યો છે. જો કે આ વખતે જે પ્રતિનિધિઓને લોકોએ ચૂંટીને મોકલ્યા છે તેમાં કરોડપતિ સાંસદોથી લઈને આપરાધિક કેસવાળા સાંસદોની સંખ્યા પહેલાથી વધુ છે. લોકસભાની ચૂંટણીમાં વિજયી બનેલા સાંસદોમાંથી ૪૭૫ સાંસદો કરોડપતિ છે. મધ્યપ્રદેશના સીએમ કમલનાથના પુત્ર છીંદવાડાથી સાંસદ તરીકે ચંૂટાયા છે અને તેઓ આ લોકસભાના સૌથી ધનવાન સાંસદ છે. એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મ્સ સંસ્થાએ એક યાદી બહાર પાડી છે.

એડીઆરએ જણાવ્યુ છે કે, આ વખતે ચૂંટાયેલા તમામ ૫૩૯ સાંસદોના સોગંદનામાની સમીક્ષા બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે. ૧૭મી લોકસભામાં ભાજપના ૩૦૩ તો કોંગ્રેસના ૫૨ સાંસદો છે. એડીઆરએ જણાવ્યુ છે કે ૫૪૨ સાંસદોમાંથી ભાજપના ૨ અને કોંગ્રેસના ૧ સાંસદના સોગંદનામાની વિગતો મળી નથી.

ભાજપના ૩૦૧ સાંસદોમાંથી ૨૬૫ એટલે કે ૮૮ ટકા સાંસદો કરોડપતિ છે અને એનડીએમાં સામેલ શિવસેનાના તમામ વિજેતા ૧૮ સાંસદ એક કરોડ કે તેથી વધુની સંપત્તિના માલિક છે. કોંગ્રેસમાં ૫૧ સાંસદોના સોગંદનામાથી જણાય છે કે તેના ૪૩ સાંસદ કરોડપતિ છે.

આપરાધિક કેસવાળા સાંસદોની સંખ્યા ૨૩૩ છે. જેમાં ૧૫૯ સામે ગંભીર ગુન્હાઓ નોંધાયેલ છે. મહિલા સાંસદો વિરૂદ્ધ અપરાધના આરોપી સાંસદની સંખ્યા ૧૯ છે. આઈપીસીની કલમ ૩૭૬ એટલે કે રેપના ૩ આરોપી સાંસદો છે. દોષિત ઠરેલા સાંસદોની સંખ્યા ૧૦ની છે.

૧ કરોડથી વધુ સંપત્તિવાળા સાંસદોની સંખ્યા આ વખતે ૪૭૫ રહી છે. સૌથી વધુ સંપત્તિના માલિક કમલનાથના પુત્ર નકુલનાથ છે. તે પછી કોંગ્રેસના વસંતકુમાર એચ. અને કોંગ્રેસના જ કે. સુરેશ છે. લોકસભાના ૪૩ ટકા સાંસદો દાગી છે, જ્યારે ૭૩ ટકા સાંસદો સ્નાતક છે. એડીઆરએ કહ્યુ છે કે ભાજપના ૧૧૬ એટલે કે ૩૯ ટકા સાંસદો વિરૂદ્ધ કેસ નોંધાયેલ છે. તે પછી કોંગ્રેસમાં ૨૯ એટલે કે ૫૭ ટકા સાંસદો સામે કેસ છે. તે પછી જેડીયુના ૧૩, ડીએમકેના ૧૦ અને તૃણમૂલના ૯ સામે કેસ છે. રીપોર્ટ અનુસાર ૨૦૧૪ના મુકાબલે આમા ૨૬ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪માં ૧૮૪ વિરૂદ્ધ કેસ નોંધાયેલા હતા. જેમાં ૧૧૨ સામે ગંભીર ગુન્હાઓ હતા.

ભાજપના ૩૦૧ સાંસદોમાંથી ૨૬૫ એટલે કે ૮૮ ટકા કરોડપતિ છે. કોંગ્રેસના ૪૩ એટલે કે ૯૬ ટકા સાંસદો કરોડપતિ છે. નવી લોકસભાના ૨૬૬ સભ્યો એવા છે જેમની સંપત્તિ ૫ કરોડ કે તેથી વધુ છે. ૨૦૧૪માં કરોડપતિ સાંસદોની સંખ્યા ૪૪૩ હતી જ્યારે ૨૦૦૯માં આવા સાંસદોની સંખ્યા ૩૧૫ હતી.

(10:11 am IST)