Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પંજાબ નેશનલ બેન્કના કર્મચારીઓ આંદોલનના માર્ગે

આજથી બિલ્લા લગાવી મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શનઃ ૨૪-૨૫ જૂને હડતાલઃ યુનિયન અગ્રણી ચંદ્રકાંત સૂચક કહે છે... મેનેજમેન્ટ દ્વારા જાણી-જોઈને કર્મચારીઓના અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છેઃ સમજુતીઓનો ભંગ કરવામાં આવી રહ્યો છેઃ સુવિધાઓ પાછી ખેંચવામાં આવી રહી છે

રાજકોટ, તા. ૨૭ :. પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓ અને કર્મચારીઓએ આજથી મેનેજમેન્ટની કચડી નાખવાની નીતિનો વિરોધ શરૂ કર્યો છે. મેનેજમેન્ટની નીતિઓના વિરોધમાં આજથી કર્મચારીઓ બિલ્લાધારણ કરી વિરોધ પ્રગટ કરી રહ્યા છે. સાથોસાથ ૨૪ અને ૨૫ જૂનના રોજ બે દિવસની દેશવ્યાપી હડતાલનુ એલાન આપવામાં આવ્યુ છે તેમ પંજાબ નેશનલ બેન્ક એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી ચંદ્રકાંત સૂચકે જણાવ્યુ છે.

તેમણે જણાવ્યુ છે કે, મેનેજમેન્ટ દ્વારા દ્વિપક્ષીય વ્યવસ્થાને ત્યાગવાની અને પરસ્પર સહમતીથી થયેલી સમજુતીઓનુ જાણી-જોઈને ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે જેથી કર્મચારીઓમાં ભય, અસ્થિરતા અને યુનિયન વિહિન હોવાની ભાવના પેદા થઈ રહી છે. હાલના મેનેજમેન્ટ દ્વારા એક તરફા કાર્યવાહી કરીને દેશભરમાં બેન્કની શાખાઓનું પુનઃ વર્ગીકરણ કરી માનવ શ્રમની કાપકુપી કરવામાં આવી છે. જેના કારણે બેન્કની કાર્યપદ્ધતિમાં બાધા ઉભી થઈ રહી છે. એટલુ જ નહિ બેન્કન આબરૂનું પણ ધોવાણ થઈ રહી છે.

તેમણે જણાવ્યુ હતુ કે તાજેતરમાં મુંબઈમાં યુનિયનની બેઠક યોજાઈ હતી. જેમાં બેન્ક મેનેજમેન્ટની મનમરજી અને એકતરફી કાર્યવાહીઓનો વિરોધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજથી કર્મચારીઓ કાળા બેઝ ધારણ કરી પોતાની માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે. સાથોસાથ ૨૪ અને ૨૫ના રોજ બે દિવસની હડતાલ પાડવામાં આવશે. આ ગાળામાં દેખાવો, ધરણા, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

તેમણે જણાવ્યુ હતુ કે, બેન્ક દ્વારા ટેલીફોનની લિમીટ ઘટાડવામાં આવી છે અને પગારની તારીખ પણ બદલાવવામાં આવી છે. એટલુ જ નહિ મહિલા કર્મચારીઓને વર્ષોથી મળતી સુવિધાઓ પાછી ખેંચવામાં આવી છે. બ્રાંચો ઘટાડવાની આવી રહી છે. જેને કારણે રાહત સેવાને અસર પડી છે. જે સામે અમારો વિરોધ છે. અમે અમારી માંગણીઓ લઈને જ જંપશું તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(10:11 am IST)