Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પશ્ચિમ બંગાળ, ઝારખંડ તેમજ બિહારમાં ધરતીકંપના આંચકા

બેથી ત્રણ સેંકડ સુધી લોકોએ આંચકા અનુભવ્યા : દહેશતનો અનુભવ કરનાર લોકો ઘરની બહાર દોડી ગયા

નવી દિલ્હી, તા. ૨૬ : પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં આજે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સવારે ૧૦.૩૯ વાગે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા બાદ લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બિહારના કેટલાક ક્ષેત્રોમાં ૧૦.૫૫ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઝારખંડમાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૪.૮ આંકવામાં આવી હતી. હવામાન વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, કોઇપણ પ્રકારનું નુકસાન આંચકાના કારણે થયું નથી. કેન્દ્રને લઇને ભૂકંપ સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બિહારના કેટલાક વિસ્તારોમાં લોકોએ સવારે ૧૦.૫૫ વાગે ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ આંચકા બેથી ત્રણ સેકંડ સુધી અનુભવાયા હતા. જે વિસ્તારમાં લોકોએ આંચકાઓનો અનુભવ કર્યો હતો તેમાં બેલહર, કટોરિયા, બાંકાનો સમાવેશ થાય છે જ્યારે ઝારખંડના ધનબાદ, સંતાલ, કોઇલાંચલમાં પણ આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો. દેવઘર, ડુમકા, બોકારો જેવા ક્ષેત્રમાં પણ લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં આંચકાઓ અનુભવાયા બાદ લોકોમાં દહેશત દેખાઈ હતી. આંચકાનો અનુભવ કરનાર લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં દહેશતની સ્થિતિ રહી હતી. બીજી બાજુ ભૂકંપના અહેવાલ આવ્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, નુકસાન અંગેના કોઇ સમાચાર મળ્યા નથી. હાલના વર્ષોમાં ભારતમાં કેટલીક જગ્યાઓએ વારંવાર હળવા આંચકા અનુવાયા છે જેને લઇને અભ્યાસની ગતિવિધિ પણ વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવી છે. વિદેશમાં ખાસ કરીને ન્યુઝીલેન્ડ-ઇન્ડોનેશિયામાં વારંવાર આંચકા આવ્યા છે.

(12:00 am IST)