Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચૂંટણી બાદથી લાલૂ પ્રસાદ યાદવે ભોજનને છોડી દીધું છે

તબિયત વધારે ખરાબ થઇ છે

પટણા, તા.૨૬ : લોકસભાની ચૂંટણીના પરિણામ બાદથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવે ભોજન લેવાનું બંધ કરી દીધું છે. રાંચીના રિંગ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લાલૂ યાદવની તબિયત ઉપર ધ્યાન આપતા તબીબોનું કહેવું છે કે, ભોજન છોડી દેવાના કારણે લાલૂ યાદવની તબિયત વધુને વધુ ખરાબ થઇ રહી છે.

લોકસભા ચૂંટણીમાં આરજેડીને એક પણ સીટ મળી શકી નથી. રિમ્સના તબીબ ઉમેશ યાદવે કહ્યું છે કે, તેમની તબિયત દિન પ્રતિદિન વણસી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી લાલૂ યાદવ સવારમાં નાસ્તો કરી રહ્યા છે પરંતુ બપોરે ભોજન કરી રહ્યા નથી. આ રીતે તેઓ સવારમાં નાસ્તો કર્યા બાદ સીધા રાત્રે ભોજન કરી રહ્યા છે જેના કારણે તેમને ઇન્સ્યુલીન આપવામાં તકલીફ થઇ રહી છે. મોદી લહેર વચ્ચે એનડીએને ૪૦ પૈકી ૩૯ સીટો મળી છે. લાલૂની પાર્ટીને એક પણ સીટ મળી શકી નથી. લાલૂને સમજાવવાના પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. આરજેડીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, હમ અને વીઆઈપી પાર્ટીઓની સાથે મળીને ગઠબંધન બનાવીને ચૂંટણી લડી હતી પરંતુ કોઇ સફળતા હાથ લાગી નહીં.

(12:00 am IST)