Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

શારદા ચીટ : રાજીવ કુમારની વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી

અંતે રાજીવકુમાર ઉપર સકંજો મજબૂત કરાયો : ચીટ ફંડ કાંડમાં શક્તિશાળી નેતાઓને બચાવવા પુરાવાને નષ્ટ કરવાનો રાજીવ કુમાર પર આક્ષેપો : વિદેશ નહીં જઈ શકે

નવી દિલ્હી, તા. ૨૬ : કરોડો રૂપિયાના શારદા ચીટ ફંડ કૌભાંડમાં આરોપી અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. નોટિસ સીબીઆઈના પ્રસ્તાવ ઉપર જારી કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. લુકઆઉટ નોટિસ જારી કરવાનો મતલબ એ થયો કે, રાજીવકુમાર હવે દેશ છોડીને કોઇપણ કિંમતે બહાર જઇ શકશે. નોટિસ મુજબ રાજીવ એક વર્ષ સુધી દેશની બહાર જઇ શકશે નહીં અને જો બહાર જવાનો પ્રયાસ કરશે તો ઇમિગ્રેશન અધિકારી તેમની ધરપકડ કરીને સીબીઆઈને સોંપી દેશે. અધિકારીઓએ આજે કહ્યું હતું કે, સીબીઆઈએ કુમારને દેશ છોડીને બહાર જવા પર રોક લગાવવા માટે આ લુકઆઉટ નોટિસ જારી કરી છે. એજન્સી દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ તમામ વિમાની મથકો અને ઇમિગ્રેશન અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ૨૫૦૦ કરોડ રૂપિયાના શારદા પોન્જી કૌભાંડમાં ૧૯૮૯ની બેંચના આઈપીએસ અધિકારી કુમારની કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની ઇચ્છા ધરાવે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપતા પહેલા પશ્ચિમ બંગાળ પોલીસની ખાસ ટુકડી તપાસ કરી રહી હતી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કુમારની કસ્ટડીમાં પુછપરછ જરૂરી બની ગઈ છે. કારણ કે, તેઓ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. એજન્સી દ્વારા તેમને પુછપરછમાં રાખવામાં આવેલા સવાલો ઉપર યોગ્ય જવાબો આપ્યા નથી. કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમાર ઉપર કરોડો રૂપિયાના શારદા ચીટ ફંડ કૌભાંડના પુરાવાઓને નષ્ટ કરી દેવાનો આક્ષેપ છે. શક્તિશાળી નેતાઓને બચાવવા માટે કુમારે કૌભાંડ સાથે જોડાયેલા પુરાવાને નષ્ટ કરવાના પ્રયાસ કર્યા હતા. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજીવકુમારની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું છે.

(12:00 am IST)