Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

FPI દ્વારા મેમાં ૨૬૭૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

ક્રૂડની વધતી કિંમતો વચ્ચે જંગી નાણાં ખેંચાયા : અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલીની સીધી અસર થઇ : વિદેશી મૂડીરોકાણકાર નાણાં પરત ખેંચવાના મૂડમાં

મુંબઈ, તા.૨૭ : વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાંથી ૨૬૭૦૦ કરોડથી વધુ  રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલી દિનપ્રતિદિન વધી રહી છે જેથી ક્રૂડની કિંમતો ઉપર આની અસર થઇ રહી છે. એપ્રિલ મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. નવેસરના આંકડા મુજબ વિદેશી મૂડીરોકાણકારોએ બીજી મેથી ૨૫મી મે દરમિયાનના ગાળામાં ઇક્વિટીમાંથી ૭૮૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૮૯૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ કુલ આંકડો ૨૬૭૬૯ કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરનો રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે. અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલી તથા અમેરિકા-ઇરાન વચ્ચે ક્રૂડને લઇને મતભેદની બજાર ઉપર અસર થઇ છે. સ્થાનિક શેરબજારમાં સરકારી યિલ્ડમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ભારતીય ડેબ્ટ માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા.

ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે.  સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે. બીજી બાજુ મૂડીરોકાણકારો એફપીઆઈનું વલણ કેવું રહે છે તે બાબત ઉપર પણ ધ્યાન રહેશે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં અનિશ્ચિતતા અને વધતી ક્રૂડની કિંમતોની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડની વધતી કિંમતોના લીધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર ઉપર થઇ રહી છે.

FPI દ્વારા નાણા ખેંચાયા

*   વૈશ્વિક ક્રૂડની વધતી કિંમતોના પરિણામ વચ્ચે વિદેશી રોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચ્યા

*   વિદેશી રોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી મૂડીમાર્કેટમાંથી ૨૬૭૦૦ કરોડ પાછા ખેંચ્યા

*   ઇક્વિટીમાંથી ૭૮૧૯ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૮૯૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે

*   મે મહિના દરમિયાન હજુ સુધી ૨૬૭૬૯ કરોડ પાછા ખેંચાયા

*   માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ ઠાલવવામાં આવ્યા

*   ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટમાંથી ૧૧૬૭૪ કરોડ પરત ખેંચી લેવામાં આવ્યા હતા

*   એફપીઆઈએ એપ્રિલમાં ઇક્વિટીમાંથી ૫૫૫૨ કરોડ પરત ખેંચવામાં આવ્યા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૦૩૬ કરોડ પરત ખેંચવામાં આવ્યા હતા જેથી કુલ આંકડો ૧૫૫૮૮ કરોડ રહ્યો હતો

*   એફપીઆઈ દ્વારા સાવધાનીપૂર્વકનું વલણ અપનાવાયું છે

*   ક્રૂડની વધતી કિંમતો વચ્ચે માઇક્રો આર્થિક પરિબળો નબળા

(8:27 pm IST)