Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

૧૨૫ કરોડનો વિશ્વાસ ધરાવનાર કોઇ પણ કિંમતે ઝુકશે નહીં : મોદી

બાગપતમાં વિશાળ રેલીમાં મોદી આક્રમક અંદાજમાં દેખાયા : આ તરફ કોણ છે અને પેલી તરફ કોણ છે તે બાબત પ્રજા નક્કી કરે : પોતાના પગ નીચેથી જમીન સરકી જતાં વિરોધી ભયના કારણે ભેગા થયા છે : મોદી

બાગપત, તા.૨૭ : ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેને રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચાર વર્ષ પૂર્ણ કરવાને લઇને રિપોર્ટ કાર્ડ રજૂ કરીને દેશની જનતાને તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે માહિતી આપી હતી. બાગપતમાં મોદીએ કહ્યું હતું કે, આ ભીષણ ગરમીમાં પણ જે રીતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે તેનાથી સાફ થઇ જાય છે કે, સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહારો કરવાની કોઇ તક છોડી ન હતી. મોદીએ ઉમેર્યું હતું કે, પેઢી દર પેઢી સત્તામાં રહેનાર લોકો હવે ગરીબો માટે કરવામાં આવી રહેલા કામોનું મઝાક કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારના કામને જોઇને કેટલાક લોકો ફફડી ઉઠ્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે દેશની સર્વોચ્ચ અદાલત ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચૂંટણી પંચ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. દેશના મિડિયા ઉપર પણ પક્ષપાતી હોવાનો આક્ષેપ કર્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક કરનાર સેનાના સાહસને પણ નકારી કાઢે છે. દેશની પ્રશંસા કરનાર ઇન્ટરનેશનલ સંસ્થાઓની પણ મઝાક કરવામાં આવી રહી છે. મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસની પરેશાનીનું કારણ તમામ લોકો જાણે છે. મોદીનો વિરોધ કરવાના નામે તેઓ દેશનો પણ વિરોધ કરવા લાગી ગયા છે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, જેની પાસે સવા સો કરોડ લોકોનો વિશ્વાસ છે તે કોઇના આરોપથી ભયભીત થનાર નથી. ભયભીત થયેલા વિરોધીઓ અને એકબીજાના નક્કર દુશ્મનો એકબીજાના મંચ ઉપર દેખાઈ રહ્યા છે પરંતુ પ્રજા તમામ બાબત જાણે છે. મોદીએ ઉમેર્યું હતું કે, આ બાજુ કોણ છે અને પેલી બાજુ કોણ છે તે અંગે પ્રજા નક્કી કરે તે જરૂરી છે. કોંગ્રેસ માટે તેમનો પરિવાર એક દેશ તરીકે છે જ્યારે મોદી માટે દેશ તેમના પરિવાર તરીકે છે. મોદીએ ઉમેર્યું હતું કે, કેટલાક લોકો પોતાના પગની નીચે જમીન સરકી રહી છે ત્યારે દરેક બાબત પર જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અનામત, ખેડૂતો, દલિતોના મુદ્દે ખોટા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. દેશના લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમની સરકાર ગ્રામોદયથી લઇને ભારત ઉદય તરફ વધી રહી છે. ગ્રામઉદયના કેન્દ્રમાં ખેડૂતો રહેલા છે. દેશના દરેક ગામને ઇન્ટરનેટ સાથે જોડવા માટેનું કામ ચાલી રહ્યું છે. મોદીએ ઉમેર્યું હતું કે, તેમની સરકારની કામગીરીની ગતિનો અંદાજ આ બાબતથી મેળવી શકાય છે કે, કોંગ્રેસની યુપીએ સરકાર પોતાના ચાર વર્ષના ગાળામાં ૫૯ પંચાયતોમાં જ ઓપ્ટીકલ ફાઈબર બિછાવી શકી હતી જ્યારે અમારી સરકાર ચાર વર્ષના ગાળામાં એક લાખથી વધારે પંચાયતોને ઓપ્ટીકલ ફાઈબર સાથે જોડી ચુકી છે. કેન્દ્ર સરકાર ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા ઇચ્છુક હતી પરંતુ યુપીએ દ્વારા આને હજુ સુધી પાસ થવાની મંજુરી આપી નથી. મોદીએ લોકોને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, તેઓ જે વચન આપે છે તે પુરા કરીને માને છે અને ભવિષ્યમાં પણ પુરા કરીને રહેશે. મોદી આજે કહ્યું હતું કે, જે આધુનિક એક્સપ્રેસ વેનું ઉદ્ધાઘાટન કરવામાં આવ્યું છે તે તેમની સરકારની કામગીરીનું એક સેમ્પલ છે. આ રોડ દિલ્હી-એનસીઆર તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશના લોકોના જીવન ધોરણને સરળ બનાવશે. બંને પ્રોજેક્ટ આધુનિકતાથી સજ્જ છે. મોદીએ રિપોર્ટ કાર્ડ રજૂ કરતા કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષના ગાળામાં જેટલા લોકોએ ટ્રેનને એસી ડબ્બામાં મુસાફરી કરી છે તેના કરતા વધુ લોકોએ વિમાની યાત્રા કરી છે જે સરકારની કુશળતા દર્શાવે છે. મોદીએ ઉમેર્યું હતું કે, ૧૦૦થી વધારે વોટર વે બનાવવામાં આવ્યા છે. ગંગાના માધ્યમથી યુપીને સીધીરીતે દરિયા સાથે જોડવામાં આવશે. યમુનાને લઇને પણ યોજનાઓ બની રહી છે. મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે. ચાર વર્ષ પહેલા સુધી દેશમાં માત્ર બે મોબાઇલ બનાવનાર કંપનીઓ હતી જે આજે ૧૨૦ ઉપર પહોંચી છે. આ અમારી કામગીરીની ગતિને દર્શાવે છે. મોદીએ કહ્યું હતું કે, બિઝનેસ અને વેપાર માટે સૌથી વધારે સુરક્ષિત માહોલની જરૂર હોય છે. યુપી સરકારમાં યોગી સરકારની કામગીરી એટલી કઠોર રહી છે કે, અપરાધીઓ પોતે જ શરણાગતિ સ્વીકારી રહ્યા છે. મોદીએ ખેડૂતોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસ કર્યા હતા. શેરડીના ખેડૂતોને તમામ પ્રકારની મદદ કરવાની પણ વાત કરી હતી.

(8:14 pm IST)