Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

રાવણ ભલે 10 માથાવાળો હોય પરંતુ તેને મારવા માટે ભગવાન રામ જ પુરતા: વિપક્ષ પર રમણસિંહના પ્રહાર

કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહી ભવ્ય બહુમતી સાથે સતત ચોથી વખત પણ ભાજપ સરકાર બનાવશે

રાયપુર : છત્તીસગઢનાં મુખ્યમંત્રી રમન સિંહે વિપક્ષ પર આકરા પ્રહાર કરીને તેની રાવણ સાથે સરખામણી કરી હતી એક કાર્યક્રમ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતા રમણસિંહે કહ્યું કે, દશાનન રાવણ ભલે 10 માથાવાળો હોય પરંતુ તેને મારવા માટે એક ભગવાન રામ જ પુરતા છે
  અત્રે  ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં આ વર્ષનાં અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અહીં છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર છે. એક કાર્યક્રમમાં જ્યારે મુખ્યમંત્રી રમણ સિંહને પુછવામાં આવ્યું કે, શું આગામી ચૂંટણીમાં ભાજપ કોઇ સાથે ગઠબંધન કરશે  તેમણે કહ્યું કે, દશાનન ભલે એકમાંથી દસ માથાવાળો થઇ જાય પરંતુ તેને હણવા માટે એક રામ જ પુરતા છે. આ પ્રકારે રમણ સિંહે ઇશારો કર્યો કે ભાજપ આ વખતે પણ ચૂંટણીમાં એકલા હાથે લડશે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢ રાજ્યની રચાના થયા બાદથી અજીત જોગીનો કાર્યકાળ છોડી દઇએ તો ત્યાર બાદ માત્ર રમણસિંહ જ મુખ્યમંત્રી તરીકે રહ્યા છે. રાજ્યની 91 વિધાનસભા સીટોમાં 45 કરતા વધારે સીટો સાથે ભાજપ ત્રણ વખતથી સત્તામાં છે. આ વખતે અજીત જોગી પણ કોંગ્રેસથી છુટા પડીને પોતાની અલગ પાર્ટી બનાવી ચુક્યા છે. ઉપરાંત કર્ણાટકમાં પણ ત્રિશંકુ વિધાનસભા સર્જાતા ભાજપનાં નેતાઓમાં પણ ડરનો માહોલ છે. 

  છત્તીસગઢમાં સત્તામાં પરત ફરવાનું સપનું જોઇ રહેલ કોંગ્રેસ માટે અજીત જોગીનું અલગ થઇને પાર્ટી બનાવીને લડવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ત્રીજી પાર્ટી આવી જવાનાં કારણે આ વખતની ચૂંટણી પણ ઘણી રસપ્રદ અને રસાકસીવાળી થવાની શક્યતા છે. એવામાં ચોથી વખત સરકાર બનાવવામાં ભાજપ માટે પણ લોઢાનાં ચણા ચાવવા સમાન છે. રાજ્યનાં લોકોમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

(6:43 pm IST)