Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મોદી શાસનમાં મોંઘવારી બેફામ બની ગઈ : કોંગ્રેસ

કોંગ્રેસે વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યોઃ મોદી સરકારના ખોટા નિર્ણયોના કારણે યુવાનો, ખેડૂતો, આદિવાસી, દલિતોમાં આક્રોશ : માત્ર વચનો જ અપાયા

અમદાવાદ,તા. ૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કર્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજના દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓએ રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં કાળી પટ્ટી બાંધીને ધરણા યોજીને ભાજપ અને મોદી સરકારની જનવિરોધી નીતિઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોઈ જગ્યાએ કાળા ફુગ્ગા ઉડાડીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ઐતિહાસિક કોચરબ ગાંધીઆશ્રમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતીના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી રાજીવ સાતવજી અને અન્ય તમામ લોકો કાળી પટ્ટી ધારણ કરી મોદી સરકારના ચાર વર્ષની પૂર્ણાહુતિ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવ્યો હતો. પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના ધારાસભ્યો પણ આમાં જોડાયા હતા. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં પણ પ્રજાહિતમાં આંદોલન ચાલુ રાખશે. સતત સંઘર્ષ જારી રાખશે. મોદી સરકારે દેશની જનતા સાથે કેવી રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો તે બાબતો હકીકતો સાથે રજુ કરતી એક પુસ્તિકા પત્રકાર પરિષદમાં રજુ કરવામાં આવી હતી. મોદી સરકારે ચૂંટણી સમયે પ્રજાને આપેલા વચનોને કેવી રીતે ફેરવીતોળ્યા તે હકીકતની વીડિયો પણ તૈયાર કરીને રજુ કરવામાં આવી રહ્યો છે. મોદી સરકારના ચાર વર્ષના લેખાજોખા જોતા માત્ર વાતો જ કરીને દેશના મતદારો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ મળી રહ્યા નથી. યુવાનોને રોજગારી મળી રહી નથી. બેરોજગારી આસમાને છે. સરહદ પર રોજ જવાનો શહીદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર માત્ર સૂત્રોની સરકાર છે. દેશની પ્રજાએ એક વિશ્વાસ સાથે ભાજપને શાસનની ધૂરા સોંપી હતી. ખેડૂતો, વેપારીઓ, આમ આદમી સહિત બેરોજગારોની હાલત આ સરકારમાં કફોડી બનેલી છે. ભાજપે અચ્છે દિનનું સૂત્ર આપ્યું હતું પરેત અચ્છેદિન કોના તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. કેન્દ્રની યુપીએ સરકારે ૭૨,૦૦૦ કરોડ દેવા માફી કરીને ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે દેશના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ખેડૂતોને આર્થિ મદદ કરવા, રાહત આપવાની જગ્યાએ કેન્દ્રની મોદી સરકાર તેમના સાથીદાર ઉદ્યોગપતિઓની કરોડોની છૂટછાટ આપી રહી છે. ભાજપના વાયદા અને હકીકતમાં જમીન આસમાનનો ફરક છે. ભાજપ સરકારે કોંગ્રેસ શાસનની યોજનાઓના નામ બદલીને પોતે દેશ માટે કામ કર્યાની જાહેરાતો કરે છે ત્યારે ચાર વર્ષમાં પ્રજાઓની લાગણીઓ સાથે વિશ્વાસઘાત કરનાર કેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા ચાવડાએ કહ્યું હતું કે મોદીરાજમાં મોંઘવારી બેફામ બની છે. તેને નિયંત્રિત કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. મોદી સરકારના ખોટા નિર્ણયોના લીધે યુવાનો, ખેડૂતો, આદિવાસી, દલિતો, વેપારીઓમાં આક્રોશ જોવા મળે છે. માથા કાપવાની વાત કરતા હતા તેની સામે રોજ જવાનો શહીદ થઈ રહ્યા છે. જીએસટી અને નોટબંધીના કારણે નાગરિકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

(12:00 am IST)