Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મોદી સરકારને રાહુલ ગાંધીએ દરેક ક્ષેત્રમાં ફેલ ગણાવીઃ નારા બનાવવામાં અને આત્મપ્રશંસામાં A+ માર્કસઃ કૃષિ, નોકરી, વિદેશનીતિ, ઇંધણના ભાવમાં નાપાસ

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રની મોદી સરકારે આજે શાસનના ૪ વર્ષ પૂર્ણ કરતા રાહુલ ગાંધીએ રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું છે. મોદી સરકારને દરેક ક્ષેત્રમાં ફેલ ગણાવી છે.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિપોર્ટ કાર્ડ જારી કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા હાલની મોદી સરકારને દરેક મોરચે ફેલ ગણાવી છે. ટ્વિટમાં કહેવાયું છે કે મોદી સરકાર જનતાને ફક્ત વચનો જ આપ્યાં, તેમાંથી એક પણ વચન પૂરું કર્યુ નથી.

રાહુલ ગાંધીની ટ્વિટ કઈંક આ પ્રકારની છે:-

4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

કૃષિ- F

વિદેશ નીતિ- F

ઈંધણના ભાવો: F

નોકરીની તકો: F

નારા બનાવવામાં: A+

આત્મ પ્રશંસા: A+

યોગ: B -

ટિપ્પણી: બયાનબાજીમાં ધુરંધર, જરૂરી મુદ્દાઓ પર નિષ્ફળ પરંતુ લોકોનું ધ્યાન ખેંચવામાં અવ્વલ.

મોદી સરકારના ચાર વર્ષ પૂરા  થયાના અવસરે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકારને નિષ્ફળ અને જૂઠ્ઠી ગણાવી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમનાં કેન્દ્રની ભાજપ સરકાર દેશના તમામ દલિતો, બેરોજગારો અને ખેડૂતો માટે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના હાલના સમયમાં થયેલા ભાવવધારા પર તેમણે કેન્દ્ર સરકારને ઘેરી.

માયાવતીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવો સમગ્ર દેશમાં સૌથી વધુ ઉંચાઈ પર ફક્ત એક જ વાર પહોંચ્યા છે. તેના વિરુદ્ધ પાર્ટી સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન કરશે. બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે ભાજપનું કાઉન્ટડાઉન શરૂ થયું ગયું છે. હવે ભાજપના એક પછી એક સહયોગી પક્ષ તેને છોડી રહ્યાં છે.

મોદી સરકાર દ્વારા વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધી અને ત્યારબાદ 2017માં લાગુ કરવામાં આવેલા જીએસટી પર માયાવતીએ કહ્યું કે દેશમાં ગરીબી અને બેરોજગારી ઐતિહાસિક સ્તર પર વધી છે. તેમણે કહ્યું કે વિપક્ષને કમજોર કરવા માટે સરકારી મશીનરીનો દુરઉપયોગ ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો.

બસપા પ્રમુખ માયાવતીએ મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર થનારી ઉજવણી ઉપર પણ ભાજપને ઘેર્યો. તેમણે કહ્યું કે મોદી સરકાર 4 વર્ષ પૂરા થવાની ઉજવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જ્યારે આ રકમ જનકલ્યાણના કામોમાં વાપરવી જોઈએ. માયાવતીએ કહ્યું કે મોદી સરકાર અત્યાર સુધી પૂરેપૂરી જૂઠ્ઠુ બોલનારી સાબિત થઈ છે.

(12:00 am IST)