Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

એક એમ્બ્યુલન્સમાં ઠૂંસીને ભર્યા કોરોનાના ૨૨ દર્દીઓના શબ

મહારાષ્ટ્રમાં કપરી બની રહેલી સ્થિતિ વર્ણવતી એમ્બ્યુલન્સઃ હોસ્પિટલે કહ્યું કોર્પોરેશન શું કરે છે તે અમારા કંટ્રોલમાં નથી : કોરોનાના દર્દીઓને સ્મશાન સુધી પહોંચાડવા માટે માત્ર ૨ જ એમ્બ્યુલન્સઃ અંદરની સ્થિતિ જોઈને ચોંકી ગયા દર્દીના સગા

ઔરંગાબાદ, તા.૨૭: કોરોનાના કારણે કપરી પરિસ્થિતિ બની રહી છે, આવામાં કોરોનાના દર્દીઓની અને મૃતકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ આ સંખ્યામાં વધારો થવાના કારણે હોસ્પિટલો અને સ્મશાન ઉભરાઈ રહ્યા છે. આવામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક જ એમ્બ્યુલન્સમાં એકની ઉપર એક એમ ૨૨ મૃતદેહો ઠૂસી-ઠૂંસીને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મૃતદેહોને હોસ્પિટલથી સ્મશાન લઈ જવામાં આવી રહ્યા હતા. આ તમામ લોકો કોરોના પોઝિટિવ હતા. આ ઘટનાના કારણે હોબાળો થતા વહીવટી તંત્ર દ્વારા ૨૨૦ કિલોમીટર દૂર ટીમ રવાના કરી છે.

આ ઘટના બીડના અંબોજોગઈમાં બની છે. એક પ્રત્યક્ષદર્દીએ જણાવ્યું કે એમ્બ્યુલન્સ પાસે રહેલી પોલીસે બે સગાના ફોન છીનવી લીધા હતા, જેઓ એમ્બ્યુલન્સમાં ભરેલી લાશોનો વીડિયો બનાવી રહ્યા હતા અને તસવીરો લઈ રહ્યા હતા. પોલીસે અંતિમ સંસ્કાર થયા બાદ પોલીસે તેમના ફોન લઈ લીધા હતા.

અધિકારીઓનું કહેવું છે કે ૨૨ શબ બોડી બેગમાં રખાયા હતા જેમને અંબાજોગઈ સ્વામી રમાનંદ તીર્થ મરાઠાવાડા સરકારી મેડિકલ કોલેજ (SRTMGMC)ના શબગૃહમાંથી લેવામાં આવ્યા હતા. જેને એમ્બ્યુલન્સ (MH-29/AT-0299)માં રખાયા હતા. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે આ એમ્બ્યુલન્સ મોબાઈલ આઈસીયુ છે.

અધિકારીઓનું કહેવું છે કે ૨૨માંથી ૧૪ દર્દીઓના મોત શનિવારે થઈ ગયા હતા, જયારે બાકીના રવિવારે થયા હતા. ૯નાં મોત લોખંડી સવરગાંવ જંબો કોવિડ સેન્ટરમાં થયા હતા. બીડ જિલ્લા કલેકટર રવિન્દ્ર જગપાતે કહ્યું, મેં અંબાજોગઈ એડિશનલ કલેકટરને તપાસના આદેશ આપ્યા છે. અમે દોષિતો સામે કાર્યવાહી કરીશું.

એક અન્ય પ્રત્યક્ષદર્શી અભિજીત જગતાપે અમારા સહયોગી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, બે સગા એમ્બ્યુલન્સમાં રાખેલા મૃતદહોનો વીડિયો બનાવી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમના ફોન છીનવી લીધા.

હોસ્પિટલે શું સ્પષ્ટતા કરી?

SRTMGMCના ડીન ડો. શિવાજી સુકરે કહ્યું, હોસ્પિટલથી મૃતદેહ સ્મશાન લઈ જવા માટે માત્ર બે જ એમ્બ્યુલન્સ છે. અમે વધારે એમ્બ્યુલન્સની માગણી કરી છે. અમારી જવાબદારી અંબાજોગઈ કોર્પોરેશનને શબોને સોંપવાની છે. કોર્પોરેશન શું કરે છે તે અમારા કંટ્રોલમાં નથી. ડો. શિવાજી સુકરેએ જણાવ્યું કે, કોર્પોરેશન દિવસમાં બે વખત અગ્નિ સંસ્કાર માટે મૃતદેહો એકઠા કરે છે.

(4:31 pm IST)