Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમેરિકા કરશે ભારતને તમામ જરૂરી મદદઃ મોદી અને બાઇડન વચ્ચે થઈ વાતચીત

સંકટના સમયે ભારતનો સાથ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જો બાઇડનનો આભાર માન્યો

નવી દિલ્હી, તા.૨૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની વચ્ચે સોમવારના ફોન પર વાતચીત થઈ. બંને વચ્ચે કોરોના સંકટને લઇને વાતચીત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સાથે કોરોના સંકટને લઇને વાત થઈ. પીએમ મોદીએ જણાવ્યું કે, આજે સાંજે તેમની અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાતચીત થઈ. આ દરમિયાન બંને વચ્ચે કોરોના સંકટને લઇને ચર્ચા થઈ. આ સંકટના સમયે ભારતનો સાથ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જો બાઇડનનો આભાર માન્યો.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ બાઇડનની વચ્ચે વેકિસનેશન, દવાઓ અને હેલ્થકેર ઇકિવપમેન્ટ્સના સપ્લાયને લઇને વાતચીત થઈ. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને ભરોસો આપ્યો કે આ સંકટના સમયે અમેરિકા ભારતની સાથે છે. તેમણે એ પણ કહ્યું કે, અમેરિકા વેન્ટિલેટર્સ અને અન્ય ઇકિવપમેન્ટ્સ પણ ભારતને આપશે. સાથે જ કોવિશીલ્ડ વેકિસનના પ્રોડકશન માટે કાચા માલને પણ જલદીથી જલદી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પીએમ મોદીએ આને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન અને અમેરિકાનો ધન્યવાદ કર્યો. પીએમ મોદીએ તેમને વેકિસન મૈત્રી વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે, કોવેકસ અને કવાડ વેકિસન ઇનિશિએટિવ દ્વારા ભારત બીજા દેશોને પણ કોરોનાની વેકિસન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વેકિસન અને દવાઓ બનાવવા માટે કાચા માલનો પુરવઠો પૂરો પાડવાની ખાતરી કરવા પણ કહ્યું. બંને નેતાઓએ એ પણ વાત કરી કે કોરોના જેવી મહામારીને પહોંચી વળવા માટે અને વેકિસન ડેવલપમેન્ટ માટે ભારત-અમેરિકા કેટલા મોટા ભાગીદાર થઈ શકે છે.

(11:29 am IST)