Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હવે દર્દીઓને રાહત થવાની સંભાવના

દિલ્હી પહોંચી 'ઓકસીજન એકસપ્રેસ'

નવી દિલ્હી તા. ૨૭ : દેશમાં હાલ કોરોના વાયરસની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી રહી છે. આ મહાસંકટ વચ્ચે દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં હાલ દૈનિક કેસ અને મૃત્યુનો આંકડો ચિંતા વધારી રહ્યા છે. હોસ્પિટલોમાં ઓકિસજન સંકટ જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે પ્રાણવાયુ લઈને ઓકિસજન એકસપ્રેસ દિલ્હી પહોંચી ગઈ છે.

છત્તીસગઢના રાયગઢની જિંદાલ સ્ટીલ પ્લાન્ટથી ઓકિસજનનો પૂરવઠો લઈને આ ઓકિસજન એકસપ્રેસ દિલ્હી કેન્ટોન્મેન્ટ પહોંચી ગઈ. આ ઓકિસજન દિલ્હીની અલગ અલગ હોસ્પિટલોમાં તાકીદે પહોંચાડવામાં આવશે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોના વાયરસના નવા ૨૦૨૦૧ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં ૩૮૦ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ એકિટવ કેસની સંખ્યા ૯૨૩૫૮ છે. જયારે કુલ કેસનો આંકડો ૧૦,૪૭,૯૧૬ પર પહોંચ્યો છે. નવા કેસનો આંકડો ભલે ઓછો જોવા મળ્યો હોય પરંતુ તેની પાછળ રવિવારે થયેલા ઓછા ટેસ્ટિંગની અસર પણ હોઈ શકે છે. આમ છતાં મોતની સંખ્યા અને પોઝિટિવિટી રેટ ચિંતાજનક છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૩૫ ટકાથી વધુ રહ્યો છે. સરેરાશ ૭૫ હજારથી વધુ ટેસ્ટ કરાય છે પરંતુ હાલ ૫૭ હજાર ટેસ્ટ જ કરાયા છે.

દિલ્હીમાં હજુ પણ ઓકિસજન સંકટ છે. સોમવારે રાતે દિલ્હીમાં ઓકિસજન એકસપ્રેસ પહોંચી જેમાં ચાર ઓકિસજન કન્ટેનર્સ હતા. દિલ્હીની અનેક હોસ્પિટલોમાં હજુ પણ અંતિમ ઘડીએ ઓકિસજન પહોંચે છે. બેડ્સની વાત કરીએ તો સ્થિતિ ખરાબ છે. આજે સવારે સાડા સાત વાગે દિલ્હીની હોસ્પિટલોમાં ફકત ૧૨ આઈસીયુ બેડ ખાલી હતા. જયારે ઓકિસજન બેડની સંખ્યા ફકત ૧૭૨૭ હતી. જો કે હાલમાં જ દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ સેન્ટરની શરૂઆત થઈ છે જેમાં ૫૦૦ ઓકિસજન બેડની સુવિધા છે.

(11:27 am IST)