Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

દર્દથી તડપતી'તી ગર્ભવતી મહિલા : ડોકટરે ઉંચકીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડી

હરિયાણાના જીંદ જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં સોમવારે સાંજે ડેપ્યૂટી સિવિલ સર્જન ડો. રમેશ પાંચાલે માનવતાનો પરિચય આપ્યો

જિંદ તા. ૨૭ : હોસ્પિટલના મુખ્ય ગેટ પર સ્ટ્રેચર ન મળતા ગાડીમાં તડપી રહેલી મહિલાને બે હાથે ઉઠાવી ઈમરજન્સી સુધી પહોંચાડી. તેમણે કોરોના સંક્રમણની પણ ચિંતા નહોંતી કરી. ડોકટરને આવુ કરતા જોઈ કર્મચારી સ્ટ્રેચર લઈને આવ્યો. પરંતુ એનીમિયા ગ્રસ્ત મહિલા સોનિયાએ (૩૮)એ શ્વાસ છોડી દીધો. તે ૮ મહિનાની ગર્ભવતી હતી. તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના બાંદાની રહેવાસી સોનિયાના રૂપમાં થઈ છે . સોનિયા પોતાના પતિ રામશાહીની સાથે ખરકરામજી ગામની એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરે છે અને ૮ મહિનાની ગર્ભવતી હતી. મહિલાના મોત બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.  ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ટ્વીટ કરી ડોકટરના વખાણ કરતા લખ્યુ કે જીંદના સામાન્ય હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળતા અને મહિલાની સ્થિતિ ગંભીર જોઈ મહિલાને બન્ને હાથે ઉચકી દોડતા ડેપ્યુટી સિવિલ સર્જન ડોકટર રમેશ પાંચાલ....salute sir કોણ કહે છે કે માનવતા મરી ગઈ છે?

નાગરિક હોસ્પિટલના એસએમઓ ડો. ગોપાલ ગોયલે જણાવ્યુ કે મહિલામાં લોહીની અછત હતી. તેમની હિસ્ટ્રી જોતા ખબર પડી કે તે ગત દિવસોમાં રોહતક પીજીઆઈમાં દાખલ થઈ હતી. જયાં તેના સ્વજનો પુરી સારવાર કર્યા વગર ખરકરામજી લઈ આવ્યા હતા. સોમવારે તેની તબિયત ખરાબ થતા તેને નાગરિક હોસ્પિટલ લઈને આવ્યા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. સ્ટ્રેચર ન મળવા અંગે ડો. ગોપાલે જણાવ્યું કે અહીં ૧૧૦ થી વધારે કોરોનાના દર્દીઓ દાખલ છે જેમાં મહિલા સે સમયે આવી જયારે તમામ સ્ટ્રેચર બીજા વોર્ડોમાં ગયા હતા.

મહિલાના પતિએ જણાવ્યું કે અચાનક તેમની પત્નીની તબિયત ખરાબ થઈ હતી તેને લઈ હોસ્પિટલ ગયા અને ત્યાં સ્ટ્રેચર નહોંતુ તો તે શોધી રહ્યા હતા. તો આ દરમિયાન ડો. રમેશ પાંચાલ આવ્યા અને તેમની પત્નીને બે હાથે ઉચકી લઈ ઈમરજન્સીમાં લઈ ગયા પરંતુ તેનો જીવ ન બચ્યો.

(11:27 am IST)