Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

બિહારની અનોખી કહાની

સાત વર્ષમાં તુટી ગયુ લગ્નનું બંધનઃ પત્નીને બીજા કોઇ સાથે પ્રેમ થયો તો પતિએ કરાવી દીધા લગ્ન

પટણા તા. ર૭ :.. કહેવાય છે કે લગ્નના સમયે જે સાતફેરા ફરાય છે તે સાત જન્મ સુધી ચાલે છે, પણ આ કિસ્સામાં આવું બિલકુલ નથી. સાત ફેરાનો પવિત્ર સંબંધ સાત વર્ષ પણ ન ચાલ્યો. પતિના સમજાવવા છતાં પત્ની ના માની એટલે પતિએ તેના લગ્ન પ્રેમી સાથે કરાવી દીધા.

મળતી માહિતી અનુસાર, લગભગ સાત વર્ષ પહેલા ખગડીયાની રહીશ સપના કુમારીના લગ્ન ભાગલપુરના સુલતાનગંજમાં રહેતા ઉત્તમ મંડલ સાથે થયા હતાં. લગ્નના થોડા દિવસ સુધી તો પતિ-પત્ની વચ્ચે બહુ પ્રેમ હતો. પણ પછી જે બન્યું તેણે આ સંબંધોને છિન્ન-ભીન્ન કરી નાખ્યા.

પરિવારજનો અનુસાર, ઉતમ મંડલના ઘરે આવેલ એક સગા સાથે સપનાની આંખો મળી ગઇ અને પછી વાત પ્રેમ સંબંધ સુધી પહોંચી ગઇ. આની ગંધ જયારે પતિ ઉત્તમને આવી તો તેમણે કેટલીય વાર આ સંબંધનો વિરોધ કર્યો, પણ સપના એમ થોડી માને તેમ હતી. દિવસો વીતવાની સાથે આ દંપતીને બે બાળકો પણ થયા તેમ છતાં સપનાના દિલમાં પેલા યુવકનો પ્રેમ વધતો ગયો.

પીયર અને સાસરીયાઓના બહુ સમજાવવા છતાં પણ સપના ન માની. અંતે ઉતમ મંડલે સપનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા સંમતિ આપી. ઉતમ પોતાના જ સગા રાજૂકુમાર સાથે પોતાની પત્ની સપનાના લગ્ન પરિવારજનોની હાજરીમાં સુલતાન ગંજના બડી દુર્ગા મંદિરમાં કરાવી દીધા. લગ્ન પત્યા પછી નવદંપતિએ ઉતમ મંડળના પણ આશીર્વાદ લીધા. ઉતમે પણ તેમને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા. રોતા-રોતા તેણે બસ એટલું કહયું કે જોડી તો ઉપરવાળો બનાવે છે.

(11:26 am IST)