Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ભારતના કુલ આરોગ્ય બજેટથી દોઢ ગણુ છે આ નુકસાન

વાયુ પ્રદૂષણથી દેશમાં વાર્ષિક સાત લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. ૨૭ : વાયુ પ્રદૂષણથી દરેક નાણાકીય વર્ષમાં ભારતીય વેપાર જગતને લગભગ ૯૫ બીલીયન અમેરિકન ડોલર (સાત લાખ કરોડ રૂપિયા)નું નુકસાન ઉઠાવવું પડે છે. જે ભારતના કુલ જીડીપીના લગભગ ત્રણ ટકા છે. આ નુકસાન દેશની કરની આવકના ૫૦ ટકા જેટલું અથવા ભારતના આરોગ્ય બજેટથી લગભગ દોઢ ગણું છે. ડલબર્ગ એડવાઇઝર્સે આ રિપોર્ટ કલીન એર ફંડ અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના સહયોગથી તૈયાર કર્યો છે.

આ રિપોર્ટ વાયુ પ્રદૂષણથી ભારે આર્થિક નુકસાનની સાથેસાથે આરોગ્ય પર તેની વિનાશકારી અસરોને રજૂ કરીને વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તાત્કાલિક સક્રિય થવા પર ભાર મુકે છે. ભારતમાં પ્રદૂષણથી વેપારને થનારા નુકસાનનું અનુમાન લગાવનાર આ પહેલો રિપોર્ટ છે. તેનો ઉદ્દેશ કંપનીઓ અને નીતિ ઘડનારાઓને ચોખ્ખી હવાના સક્રિય સમર્થક બનવા માટે પ્રેરિત કરવાનો છે.

રિપોર્ટ અનુસાર ભારતીય કામદારો પોતાના આરોગ્ય પર વાયુ પ્રદૂષણની પ્રતિકૂળ અસરોના કારણે દર વર્ષે ૧૩૦ કરોડ કાર્યદિવસની રજા લે છે જેના કારણે છ બીલીયન અમેરિકન ડોલર જેટલું નુકસાન થાય છે. વાયુ પ્રદૂષણની અસરના કારણે તેમની ઉત્પાદકતા ઘટે છે જેના કારણે ૨૪ બીલીયન અમેરિકન ડોલર જેટલું નુકસાન થાય છે.

હવાની હલકી ગુણવત્તાના કારણે ગ્રાહકોને ઘરની બહાર જવાની ઇચ્છા ઓછી થાય છે તેના લીધે ગ્રાહકો સાથે સીધા સંકળાયેલા ધંધામાં ૨૨ બીલીયન ડોલરનું નુકસાન થાય છે.

(11:26 am IST)