Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

શું મહિલાઓ પીરિયડ દરમિયાન કોરોનાની રસી લઈ શકે?

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા જરૂરી કામ વિના બહાર જશો નહીં અને માસ્ક પહેરો

નવી દિલ્હી, તા.૨૭: કોરોના વેકિસન સંબંધિત સામે આવી રહેલા સવાલો વચ્ચે હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓ પીરિયડ દરમિયાન પણ વેકિસન લઈ શકે છે. સરકારે કહ્યું કે આજે જે સ્થિતિ છે તેમાં કોરોના વેકિસનેશનની ગતિને ધીમી કરી શકાય નહીં. નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડોકટર વીકે પોલે કહ્યું કે સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે શું માસિક પીરિયડ દરમિયાન મહિલાઓ રસી લઈ શકે? તેનો જવાબ છે હા, પીરિયડ્સ દરમિયાન રસી લઈ શકાય છે.

ડોકટર પોલે કહ્યું કે અમે વેકિસનેશનની ગતિને ધીમી પડવા નહીં દઈએ, રસીકરણ વધારવું જરૂરી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા જરૂરી કામ વિના બહાર જશો નહીં અને માસ્ક પહેરો. માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. પોતાના ઘરમાં લોકોને આમંત્રિત કરશો નહીં.

જયારે બીજી બાજુ, ડોકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દી ગભરાઈને એવું વિચારે છે કે મને કયાંક પછી ઓકિસજન અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે નહીં એટલે હાલ દાખલ થઈ જાઉં છું. આ કારણે હોસ્પિટલની બહાર ખૂબ ભીડ થઈ જાય છે અને જે ખરેખરમાં દર્દી છે તેઓને સારવાર મળી શકતી નથી. લોકો ગભરાઈને ઘરમાં દવા સ્ટોર કરવા લાગે છે અને બજારમાં જરૂરી દવાઓની કારણ વિના અછત સર્જાય છે. ઘણાં લોકો એવું વિચારે છે કે કોરોના છે તો પ્રથમ દિવસથી જ તમામ દવા શરૂ કરું છું, તેનાથી સાઈડ ઈફેકટ વધારે થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેટલાંક રાજય છે જયાં સક્રિય કેસોની સંખ્યા વધારે છે જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ રાજય સામેલ છે.

(10:20 am IST)