Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ફેફસાંમા ૯૫ ટકા ઇન્‍ફેક્‍શન : તબીબોએ હાથ અદ્ધર કર્યા છતાં મહિલાએ મન મક્કમ રાખી કોરોનાને હરાવ્‍યો

તેઓ ૪૦ દિવસ ICUમાં અને બીજા ૪૦ દિવસ ઘરે ઓકિસજન પર રહ્યા હતા

ઉજ્જૈન,તા. ૨૭: કોરોના વાયરસનું ઈન્‍ફેક્‍શન ફેફસાંમાં વધારે પડતું પ્રસરી જવાના કારણે કોરોનાના દ્યણા દર્દીઓ જીવ ગુમાવતા હોય છે. જો કે ઉજ્જૈનની એક મહિલા એવી છે જેણે પોતાના ફેફસાંમાં ૯૫ ટકા ઈન્‍ફેક્‍શન હોવા છતાં કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ઉજ્જૈનની એક સહકારી બેન્‍કમાં મેનેજર પદેથી રિટાયર થયેલા ૬૨ વર્ષના ઉષા નિગમને ગત ૨૦ ઓક્‍ટોબરે કોરોના થયો હતો. ૨૨ ઓક્‍ટોબરે તેમનું પહેલું સિટી સ્‍કેન કરાવાયું ત્‍યારે ઈન્‍ફકેશન ઝીરો આવ્‍યું હતું અને બે દિવસ બાદ ૨૪ તારીખે તેમની સ્‍થિતિ બગડવા માંડી હતી. તેમને તરત જ આઈસીયુમાં શિફ્‌ટ કરાયા હતાં.

એ પછી તેમની હાલત સતત બગડતી રહી હતી રેમડેસિવિરના ઈન્‍જેક્‍શન આપ્‍યા પછી પણ તેમની તબિયતમાં સુધાર થયો નહોતો. ડોક્‍ટરોએ કહી દીધું હતું કે, તેમનું બચવું મુશ્‍કેલ છે. આ દરમિયાન તેમને આઈસીયુમાં ઓક્‍સિજન પર શિફ્‌ટ કરાયા હતા. ૨૬ નવેમ્‍બરે જયારે તેમનું સિટી સ્‍કેન કરાયું ત્‍યારે ફેફસામાં ઈન્‍ફેક્‍શન વધીને ૯૫ ટકા થઈ ગયું હતું. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હોવાથી ડોક્‍ટરોએ તેમને નોન કોવિડ આઈસીયુમાં રાખ્‍યા હતાં.

૯૫ ટકા ઈન્‍ફેક્‍શન જોયા બાદ ડોક્‍ટરોએ ઉષા નિગમને દ્યરે લઈ જવાની સલાહ આપી દીધી હતી. ઘરે તેઓ ઓક્‍સિજન સપોર્ટ પર રહ્યા હતા. મક્કમ મનોબળના કારણે આજે તેઓ સાવ સાજા થઈ ગયા છે. આ દરમિયાન તેઓ ૪૦ દિવસ આઈસીયુમાં અને બીજા ૪૦ દિવસ દ્યરે ઓક્‍સિજન પર રહ્યાં હતા. આમ છતાં તેઓ આજે સાજા થઈને પોતાનુ કામ પણ જાતે કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, સારવાર દરમિયાન ડરવાની જગ્‍યાએ હિંમત રાખવાની અને બીમારી સામે લડવાની જરુર હોય છે. મનોબળ મક્કમ રહે તે માટે પરિવારનો સાથ પણ બહુ જરુરી છે.

(10:17 am IST)