Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઓકિસજન વધારવા કરવું ‘પ્રોનિંગ'

ઓકિસજનનું સ્‍તર ૯૪થી નીચે આવી જાય ત્‍યારે હોમ ઓઇસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓએ પ્રોનિંગ કરવું જોઇએ. પ્રોનિંગની સ્‍થિતી વેન્‍ટિલેશનમાં સુધારો લાવીને દર્દીનો જીવ બચાવી શકે છે : પ્રેગ્નેન્‍ટ મહિલાઓએ પ્રોનિંગની પોઝિશન ન કરવી : ભોજન પછી પણ પ્રોનિંગની પોઝિશિનમાં આવવું ટાળવું : ઓક્‍સિજન લેવલ ખૂબ ઓછું હોય તો પ્રોનિંગને બદલે ડોક્‍ટરની સલાહ મુજબ વર્તવું.

નવી દિલ્‍હી,તા. ૨૭: કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે કહ્યું છે કે, હોમ આઈસોલેશનમાં રહેલા કોવિડ-૧૯ના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. હાલ દેશમાં કોરોનાના કેસો રોકેટ ગતિથી વધી રહ્યા છે ત્‍યારે હોસ્‍પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. આ જ કારણે તબીબો ઓક્‍સિજનનું લેવલ વારંવાર ચકાસવાની સલાહ આપે છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેઓ પ્રોનિંગ કરી શકે છે. આનાથી ICUમાં રહેલા દર્દીઓમાં પણ સારા પરિણામ મળ્‍યા છે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ નિયમિત પ્રોનિંગ કરે તો ઓક્‍સિજન લેવલ સુધરી શકે છે.

ઊંધા સૂઈ જવાની પ્રક્રિયાને પ્રોનિંગ કહેવાય છે. આ પોઝિશનમાં ઊંઘવાથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને ઓક્‍સિજનમાં સુધારો આવે છે. પ્રોનિંગનો ઉપયોગ હોસ્‍પિટલોમાં પણ કરવામાં આવે છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ, દિવસ દરમિયાન અલગ અલગ પ્રોન પોઝિશનમાં મહત્તમ ૧૨થી ૧૬ કલાક પ્રોનિંગ પોઝિશનમાં ઊંઘી શકાય છે. ગાઈડલાઈન મુજબ, કોઈપણ પ્રોનિંગ પોઝિશનમાં ૩૦ મિનિટની વધારે સમય ના રહેવું. પ્રોનિંગ પોઝિશનમાં ઊંદ્યવાથી ઓક્‍સિજન સરળતાથી ફેફસા સુધી પહોંચે છે અને ફેફસા યોગ્‍ય રીતે કાર્ય કરે છે.

પ્રોનિંગ વખતે શું ધ્‍યાન રાખવું?

* જમ્‍યા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી પ્રોનિંગ ના કરવું.

* પ્રોનિંગ કરતી વખતે ઈજા અને દ્યાને ધ્‍યાનમાં લેવા.

* અનુકૂળતા માટે ઓશિકાની સ્‍થિતિમાં ફેરફાર કરી શકો છો.

* સહન થાય એટલીવાર સુધી જ પ્રોનિંગ કરવું.

પ્રોનિંગ ક્‍યારે ના કરવું?

*  પ્રેગ્નેન્‍ટ મહિલાઓએ ન કરવું.

* હૃદય સંબંધિત તકલીફ ધરાવતા લોકોએ પ્રોનિંગ ન કરવું.

* છેલ્લા ૪૮ કલાકમાં ફેફસામાં ક્‍લોટિંગની સમસ્‍યા થઈ હોય તો પ્રોનિંગ ન કરવું.

*  કરોડરજ્જુ કે પેઢુમાં દુખાવાની સમસ્‍યા રહેતી હોય તેમણે પ્રોનિંગ ન કરવું.

* ભોજન પછી તરત પ્રોનિંગ ન કરવું.

ઓક્‍સિજન લેવલ ૯૫થી નીચે અને ૯૦થી વધુ હોય તો જ કરવાની સૂચના ગાઈડલાઈનમાં લખેલી છે. આ પરિસ્‍થિતિમાં ઓક્‍સિજન વધારી શકાય છે.

કેવી રીતે પ્રોનિંગ કરવું ?

*  નરમ ગાદલા કે ચટાઈ પર ઊંધા ઊંઘીને ગરદન નીચે એક, છાતી અને પેટ વચ્‍ચે એક, જાંઘ નીચે એક અને પહની નીચે બે એમ કુલ પાંચ ઓશિકાની જરૂર પડશે.

* ઓશિકા મધ્‍યમ કદના અને નરમ રૂના હોય તે વધુ યોગ્‍ય રહેશે. મોટા કે કઠણ ઓશિકા સલાહનીય નથી.

* માથા આગળ એક ઓશિકનું અને પગ નીચે બે એમ કુલ ૩ ઓશિકા વડે પણ પ્રોનિંગ કરી શકાય છે.

* આ સ્‍થિતિમાં ઊંધા ઊંદ્યીને શાંતિથી શ્વાચ્‍છોશ્વાસની પ્રક્રિયા ચાલવા દેવાની. આ વખતે ઊંડા શ્વાસ લેવાની કે બળપૂર્વક શ્વાસ છોડવાની જરૂર નથી.

* થોડા-થોડા સમયને અંતરે ડાબા-જમણા પડખે ઊંદ્યીને પણ પ્રોનિંગ કરી શકાય છે.

(10:10 am IST)