Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

જીએસટી નંબર રદ થયા બાદ ફરી નહીં અપાય ત્‍યાં સુધી દંડની વસૂલાતથી રોષ

તામિલનાડુ જેવી વ્‍યવસ્‍થા ગુજરાતમાં ગોઠવવામાં આવવી જોઇએ : ફરીથી નંબર લેવા માટે અરજી કર્યા બાદ દંડ નહીં વસૂલવાની ઉઠતી માંગ

મુંબઇ,તા. ૨૭ : વેપારીનો જીએસટી નંબર રદ થયા બાદ ફરીથી તે નંબર લેવા માટે અપીલ કરવામાં આવતી હોય છે. અપીલનો નિકાલ કરીને વેપારીને જયાં સુધી જીએસટી નંબર ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્‍યાં સુધી રોજના દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે. તેના બદલે તામિલનાડુમા વેપારીનો જીએસટી નંબર રદ થયા બાદ વેપારી અપીલ કરે એટલે દંડની વસૂલાત કરવામાં આવતી નથી. જેથી તામિલનાડુમાં સ્‍થાનિક સરકારે જે વ્‍યવસ્‍થા ગોઠવી છે તેવી જ વ્‍યવસ્‍થા ગુજરાતમાં પણ ગોઠવવામાં આવે તેવી માંગ વેપારીઓની સાથે સાથે સીએ અને ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટોમાં પણ ઉઠવા પામી છે.

નિયમિત રિટર્ન નહીં ભરવા કે બોગસ બિવિંગમાં સંડોવણીને કારણે જીએસટી નંબર રદ કરી દેવામાં આવતા હોય છે. આ વેપારી તે જ નંબર ફાળવણી કરવા માટે અરજી કર્યા બાદ તેઓને પીલમાં બોલાવાય છે. પરંતુ અપીલમાં કેસ આવે અને તેનો નિકાલ નહીં થાય ત્‍યાં સુધી એકાદ બે મહિનાનો સમય વીતી જાય છે. આવા કિસ્‍સામાં જેટલા દિવસ સુધી કેસનો નિકાલ નહીં થાય તેટલા દિવસનો દંડ વેપારી પાસેથી વસૂલ કરવામાં આવતો હોય છે.

જયારે તામિલનાડુમાં તેના કરતા ઊલટી સ્‍થિતિ છે. વેપારી દ્વારા રદ કરાયેલા નંબરની ફાળવણી કરવા માટે અરજી કરવામાં આવે તે જ દિવસથી દંડની વસૂલાત કરવામાં આવતી નથી. જેથી વેપારી પર વધુ પડતું આર્થિક ભારણ આવતું નથી. આજ પ્રમાણેની વ્‍યવસ્‍થા ગુજરાતમાં કરવામાં આવે તો વેપારીઓને સૌથી વધુ રાહત થાય તેમ છે.

એકસરખા નિયમથી જ વેપારીઓને રાહત થશે

જીએસટી લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારે વન નેશન વન ટેક્‍સની જાહેરાત કરવામાં આવી હતી. જેથી એકસમાન જ નિયમ લાગુ હોવા જોઇએ. કારણ કે તામિલનાડુ અને ગુજરાતમાં નિયમો અલગ અલગ હોવાના લીધે વેપારીએ વધુ પડતો દંડ ભરવાની સ્‍થિતિ આવતી હોય છે. તેના બદલે એક સરખો નિયમ લાગુ કરવામાં આવેતો વેપારીઓને મોટી રાહત થાય તેમ છે.

- મિહીર મોદી (સીએ)

(10:06 am IST)