Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કઠુઆ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો:સગીર ભત્રીજાએ રેપ કર્યાનું જાણતા હત્યાનો લીધો ફેંસલોઃ પુત્રની પણ સંડોવણી

પુત્ર સુધી પહોંચનારા દરેક સુરાગને મીટાવી દેવા માંગતો હતો સાંજીરામ :અપહરણના ચાર દિવસ બાદ માલુમ થયું બાળકી સાથે બળત્કાર થયો

જમ્મુ: કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસે કહ્યું કે આરોપીઓમાંના એક સાંજીરામે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેને બાળકીના અપહરણના ચાર દિવસ બાદ તેની સાથે બળાત્કાર થયો હોવાનુ માલુમ પડ્યુ હતું. બળાત્કારમાં પોતાનો પુત્ર પણ સામેલ હોવાનું જાણવા મળતા તેણે બાળકીની હત્યાનો ફેંસલો લીધો. અરજીકર્તાઓએ જણાવ્યું કે 10 જાન્યુઆરીના રોજ અપહ્રત બાળકી સાથે તે દિવસે  સૌથી પહેલા સાંજીરામના સગીર ભત્રીજાએ બળાત્કાર કર્યો હતો. બાળકીનો મૃતદેહ 17 જાન્યુઆરીના રોજ જંગલમાંથી મળી આવ્યો હતો. સગીર ઉપરાંત સાંજીરામ, તેનો પુત્ર વિશાલ અને અન્ય પાંચ મામલે આરોપી બનાવવામાં આવ્યાં છે.

 તપાસકર્તાઓએ મીડિયાને જણાવ્યું કે નાના મંદિર (દેવસ્થાન)માં બાળકીને રાખવામાં આવી હતી. જેમાં સાંજીરામ સેવાદાર હતો. તેમણે જણાવ્યું કે હિંદુ વર્ચસ્વવાળા વિસ્તારમાંથી બકરવાલ સમુદાયના લોકોને ડરાવીને હટાવવા માટે કાવતરું રચ્યું. સાંજીરામના વકીલ અંકુર શર્માએ તપાસકર્તાઓ દ્વારા કરાયેલા ઘટનાના વર્ણન પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તેઓ પતોાની બચાવ રણનીતિનો ખુલાસો કરી શકે નહીં.

   તપાસકર્તાઓના જણાવ્યાં મુજબ સાંજીરામના ભત્રીજાએ 13 તારીખે જ્યારે ગુનો કબુલ્યો ત્યારે સાંજીરામને ઘટનાની જાણકારી મળી. તેણે તપાસકર્તાઓને જણાવ્યું કે તેણે દેવીસ્થાનમાં પૂજા કરી અને ભત્રીજાને પ્રસાદ ઘરે લઈ જવા માટે  કહ્યું. પરંતુ તેણે મોડુ કરતા ગુસ્સામાં તેની પીટાઈ કરી. જો કે સગીરે વિચાર્યુ કે તેના કાકાને છોકરી સાથે બળાત્કાર કર્યો હોવાની વાત માલુમ પડી ગઈ છે અને તેણે પોતે આખી વાત કબુલ કરી નાખી. સગીરે જણાવ્યું કે તેણે પોતાના પિતરાઈ ભાઈ વિશાલ (સાંજીરામનો પુત્ર)ને મામલે ફસાવ્યો અને કહ્યું કે બંનેએ મંદિરની અંદર જઈને બળાત્કાર કર્યો.

મામલે નોંધાયેલા આરોપપત્ર મુજબ સાંજીરામને માલુમ પડ્યા બાદ તેણે નક્કી કર્યું કે બાળકીને મારી નાખવી જોઈએ. જેથી કરીને કઠુઆથી બકરવાલ સમુદાયને ભગાડવા માટેના પોતાના મક્સદને હાંસલ કરી શકાય. પરંતુ બધુ યોજના મુજબ થયું નહીં. તેઓ બાળકીને હીરાનગરમાં ફેંકવા માંગતા હતાં પરંતુ વાહનની વ્યવસ્થા થતા તેને પાછી મંદિર લાવવામાં આવી.

તપાસકર્તાઓને માલુમ પડ્યું કે 14 જાન્યુઆરીના રોજ બાળકીની હત્યા કરી દેવાઈ હતી. કારણ કે સાજીરામ પોતાના પુત્ર સુધી પહોંચે તે દરેક સુરાગને મીટાવી દેવા માંગતો હતો. તેમણે જણાવ્યું કે સાંજીરામે પોતાના ભત્રીજાને ગુનો સ્વીકાર કરી લેવા માટે તૈયાર કર્યો હતો પરંતુ વિશાલને બધાથી દૂર રાખ્યો અને તેને આશ્વાસન આપ્યું હતું કે તે તેને રિમાન્ડ હોમથી જલદી બહાર કઢાવી લેશે.

(10:00 pm IST)