Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સેંસેક્સ ૨૫૬ પોઇન્ટ સુધરી ૩૪૯૭૦ની નવી સપાટી પર

નિફ્ટી ૭૫ પોઇન્ટ ઉછળી ૧૦૬૯૨ની સપાટીએ : ત્રિમાસિક ગાળાના પરિણામની શેરબજાર પર હકારાત્મક અસર થઇ : મારુતિના નેટ નફામાં થયેલો નોંધપાત્ર વધારો

મુંબઇ,તા. ૨૭ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૫૬ પોઇન્ટ ઉછળીને ૩૪૯૭૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭૫ પોઇન્ટ સુધરીને ૧૦૬૯૨ની સપાટીએ રહ્યો હતો. કોર્પોરેટ કમાણીના આંકડા જારી કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં હલચલ પણ જોવા મળી રહી છે. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ એક વખતે ૩૫૦૬૫ની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. એશિયન બજારમાં તેજી રહી હતી. ઘરઆંગણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેના ત્રિમાસિક ગાળાના પરિણામ પહેલા આ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીના વાર્ષિક નફામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પુરા થયેલા વર્ષ માટે વાર્ષિક નફાનો આંકડો ૭૭.૨૧ અબજ રૂપિયાનો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને હાલમાં મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો.  બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.શેરબજારમાં હાલમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે.   વૈશ્વિક ઘટનાક્રમની અસર જોવા મળી રહી છે.  ઉત્તર કોરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે હવે કોઇ નવા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરશે નહીં.  શેરબજારમાં અવિરત ઉતારચઢાવના માટે કેટલાક કારણો સ્થાનિક અને કેટલાક વિદેશી રહેલા છે. ટીસીએસની માર્કેટ મુડીમાં હાલમાં થયેલા ઉલ્લેખનીય વધારાની અસર પણ જારમાં જોવા મળી રહી છે. બીજી બાજુ કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે તે પરિણામ પર સૌથી વધારે કારોારીઓની નજર રહેલી છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.  શેરબજારમાં ગઇકાલે ગુરુવારના દિવસે તેજી  પરત ફરી હતી.

કારોબારના અંતે સેંસેક્સ ૨૧૨ પોઇન્ટ સુધરીને ૩૪૭૧૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ સુધરીને ૧૦૬૧૮ની ઉંચ સપાટી પર રહ્યો હતો.

બજારમાં તેજીનો દોર...

         મુંબઈ, તા. ૨૭ : શેરબજારમાં અવિરત તેજીનો દોર જારી રહેતા કારોબારીઓ ખુશખુશાલ થયેલા છે. વૈશ્વિક બજારમાં તેજી અને કોર્પોરેટ કમાણીના સારા પરિણામની અસર જોવા મળી રહી છે. તેજીની સાથે સાથે નીચે મુજબ છે.

*      સેંસેક્સ ૨૫૬ પોઇન્ટ ઉછળી ૩૪૯૭૦ની સપાટીએ

*      નિફ્ટી ૭૫ પોઇન્ટ ઉછળી ૧૦૬૯૨ની સપાટીએ

*      વૈશ્વિક બજારમાં એશિયન શેરબજારમાં પણ તેજીનો માહોલ

*      મજબૂત ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર રહી

*      રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૫ ટકાનો ઉછાળો ઇન્ટ્રા ડે દરમિયાન નોંધાયો

*      મારુતિ સુઝુકીના વાર્ષિક નફામાં નોંધપાત્ર વધારો થયો

*      શેરબજારમાં સ્થાનિક પરિબળોની સાથે સાથે વૈશ્વિક પરિબળોની અસર પણ રહી

(7:36 pm IST)