Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

માઉન્ટ આબુમાં બે દિવસીય સમર ફેસ્ટીવલનું આયોજનઃ વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડશે

જયપુરઃ દર વર્ષે બુદ્ધ પૂર્ણિમા પર રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉંટ આબુમાં સમર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સમર ફેસ્ટિવલ બે દિવસ 29 અને 30 એપ્રિલ સુધી ચાલશે. સમર ફેસ્ટિવલમાં માઉંટ આબુના લોકોનો જોશ, ઉત્સાહ, રંગીન જીવન અને જિંદાદિલીનું પ્રતિક છે. જો તમે પણ આ સ્પેશિયલ ફેસ્ટિવલનો લ્હવો લેવા માગો છો તો અહીંના લોકોની મહેમાનગતિ, ઉત્સાહથી ભરેલો શિષ્ટાચાર અને આકર્ષક લોકેશન તમારો આ અનુભવ યાદગાર બનાવશે.

માઉંટ આબુમાં ઢોળાવવાળા પહાડો, શાંત સરોવર અને જ્યાં નજર ઠરે ત્યાં કુદરતી સૌંદર્ય, અનુકૂળ વાતાવરણ આ સ્થળને ગરમીથી રાહત મેળવવા માટે પરફેક્ટ બનાવે છે. બે દિવસના સમર ફેસ્ટિવલમાં લોકનૃત્ય, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, રાજસ્થાનના આર્ટ એંડ ક્રાફ્ટનો અનોખો સંગમ જોવા મળશે. સાથે જ આ ફેસ્ટિવલ દ્વારા તમે રાજસ્થાનના આદિવાસી લોકોના જીવન અને સંસ્કૃતિને નજીકથી જાણી શકશો.

માઉંટ આબુના સમર ફેસ્ટિવલની શરૂઆત પ્રેમ ગીત અને પારંપારિક જુલુસ નીકાળીને થાય છે. જેમાં રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્ય અને લોકસંગીતનો સમાગમ હોય છે. સાથે જ અને સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મનોરંજનના કાર્યક્રમ પણ હોય છે. બે દિવસના ફેસ્ટિવલમાં ઘોડાની રેસ, નકી લેકમાં બોટ રેસ, માટલાં રેસ, દોરડા ખેંચ, સ્કેટિંગ રેસ, બેંડ શો વગેરે આયોજનો હોય છે.

ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ છે શામ-એ-કવ્વાલી, જેમાં જાણીતા કવ્વાલી ગાયકો ભાગ લે છે. ફેસ્ટિવલના અંતે જબદરસ્ત આતશબાજી થાય છે સાથે જ બે દિવસીય માઉંટ આબુ સમર ફેસ્ટિવલનું સમાપન થાય છે.

જો તમે માઉંટ આબુના સમર ફેસ્ટિવલને જોવા જવાના છો તો માઉંટ આબુ વાઈલ્ડ લાઈફ સેક્ચુરી, અચલગઢ કિલ્લો, વિમલા વાશી મંદિર, લૂના વાશી મંદિર અને અધર દેવી મંદિરની અચૂક મુલાકાત લેજો.

(6:16 pm IST)