Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઈન્દ્રાણી મુખરજીએ છૂટાછેડા લેવા જેલમાંથી પીટર મુખરજીને મોકલી નોટિસ

ઈન્દ્રાણી જેલમાં બંધ છે જયારે પીટર પણ શીના બોરા હત્યા કેસમાં સહ આરોપી ;છૂટાછેડા અને નાણાકીય પતાવટ માટે નોટિસ મોકલી

નવી દિલ્હીઃ પોતાની પુત્રી શીના બોરાની હત્યાના કેસમાં જેલમાં બંધ રહેલી ઇન્દ્રાણી મુખરજી હવે તેના પતિ પીટર સાથે છૂટાછેડા લેવા નોટિસ મોકલી છે પીટર પણ આ હત્યા કેસમાં સહ-આરોપી છે. ઇન્દ્રાણીએ જેલમાંથી મુંબઈની આર્થર રોડ જેલમાં તેના પતિ પીટરને છૂટાછેડા તેમજ નાણાકીય પતાવટ માટેની એક નોટિસ મોકલી આપી છે.

   ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ઇન્દ્રાણીએ પોતાના વકીલ ઇદિથ દે મારફતે પીટરને આ નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે પરસ્પર સહકારથી છૂટાછેડા ઈચ્છી રહી છે. પત્રમાં પીટરને એવું પણ કહેવામાં આવ્યું છે કે તે અગાઉ થયેલી સહમતી પ્રમાણે નાણાકીય પતાવતને પણ મંજૂરી આપે.

   રિપોર્ટસ પ્રમાણે નાણાકીય પતાવટમાં બંનેની મિલકતની વહેચણી, કે જેમાં સ્પેન અને લંડન ખાતેની સંપત્તિ તેમજ બેંકની થાપણો અને રોકાણનો સમાવેશ થાય છે.

   કોર્ટમાં પીટરે હાથો હાથ નોટિસ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધા બાદ ઈન્દ્રાણીએ કુરિયર દ્વારા આર્થર રોડ જેલમાં બંધ રહેલા પતિ પીટરને નોટિસ મોકલી આપી છે. જોકે, તેના વકીલ અમિત ઘાગે નોટિસ બાબતે તેને કોઈ જાણ હોવાનો ઇન્કાર કરી દીધો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ સીબીઆઇ જજ સામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ઇન્દ્રાણી તેનો પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર મુખર્જી સામે સામે મળ્યા હતા. જોકે, કોર્ટમાં પીટરે ઇન્દ્રાણીની બાજુમાં બેસવા છતાંય કોઈ વાતચીત કરી હતી.

  ઇન્દ્રાણીના પહેલા લગ્નથી જન્મેલી પુત્રી શીના બોરા (24)ની એપ્રિલ 2012માં હત્યા કરવામાં આવી હતી. જોકે, 2015માં ઇન્દ્રાણીના ડ્રાઇવર શ્યામવર રાયની ધરપકડ બાદ આ કેસ સામે આવ્યો હતો. ડ્રાઇવરની અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન શીના બોરાની હત્યાનો ખુલાસો થયો હતો.

  આ કેસમાં મુંબઈ પોલીસે ઇન્દ્રાણી મુખરજી, તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ઇન્દ્રાણી તેની પુત્રી શીના બોરાની ઓળખ તેની બહેન તરીકે આપતી હતી. બાદમાં આ કેસમાં ઇન્દ્રાણીના પતિ પીટર મુખરજીની પણ કાવતરામાં સામેલ હોવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. બાદમાં ખુલાસો થયો હતો કે નાણાકીય વિવાદને કારણે શીનાની હત્યા કરવામાં આવી હતી.

(2:48 pm IST)