Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

લોકસભાની ચૂંટણી વ્હેલી આવી રહયાની ફરી ચર્ચાઓ શરૂ થઈ

કેન્દ્રના ૪ પ્રધાનોની સમિતિએ સરકારની કામગીરીનો હેવાલ આપ્યોઃ દિવાળી પછી તુરત જ : મોહન ભાગવતજી, વિહિપના કોકજે, ભૈયાજી જોશી સાથે અમિતભાઈની ૪ કલાકની મેરેથોન ચર્ચા ખૂબ જ સૂચક

નવી દિલ્હીઃ કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ હેઠળ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકાર ચાલુ વર્ષના અંતમાં અર્થાત દીવાળી બાદ લોકસભાની મુદત પૂર્ણ થવા અગાઉ મધ્યવર્તી ચૂંટણી યોજવા વિશે ગંભીરતાથી વિચારી રહી હોવાનું પ્રમોદ મઝુમદારના હેવાલમાં પ્રસિધ્ધ થયું છે.

સાઉથ બ્લોક જયાં વડા પ્રધાનનું કાર્યાલય આવેલું છે, ત્યાંથી જાણકાર વર્તુળો પાસેથી આવા સંકેત સાંપડી રહયા છે. આ બાબતની ચચા ર્એ કારણસર થઈ રહી છે કે વડાપ્રધાન પોતાની સરકારની કામગીરી તથા લોકહિત અને વિકાસની પ્રવૃતિઓની સમીક્ષા તથા તેના પરિણામે વિશે જાણકારી મેળવવા કેન્દ્રના ચાર પ્રધાનોની સમિતિ રચી હતી અને આ સમિતિએ વડાપ્રધાનને અહેવાલ સુપરત કરી દીધો છે. આ સમિતિમાં માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાની, ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમાર, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન તથા રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન રાષ્ટ્રકુળ સંમેલનથી પરત થયા બાદ તેમને સમિતિએ અહેવાલ સુપરત કર્યો હતો. આ અહેવાલ વિશે જો કે સત્તાવારપણે બોલવા માટે સરકારી અધિકારીઓ તૈયાર નથી. તેવું આજે ફુલછાબના ફ્રન્ટ પેઈઝના હેવાલમાં જણાવાયું છે.

સરકારી વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા સર્વોચ્ચ અદાલતમાં અનિર્ણિત એવા રામજન્મભૂમિ વિવાદ સંબંધિત કેસનો ચુકાદો મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સેવા નિવૃત્ત થવા પૂર્વે અર્થાત આગામી ઓકટોબર અગાઉ જાહેર કરી શકે છે અને આ ચુકાદા બાદ દેશનું જનમાનસ હિન્દુત્વવાદી વિચારધારા માટે અનુ કૂળ બનવાનું અનુમાન લગાડાઈ રહયું છે. શાસક ભાજપ તેનો સહેલાઈથી રાજકીય લાભ મેળવી શકશે. લોકસભાની મધ્યાવર્તી ચૂંટણીની સાથે જ પૂર્વનિધારિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાઓની પણ એક સાથે ચૂંટણી યોજાશે.

આ પાર્શ્વભૂમિમાં નાગપુરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, વિહિપના નવનિર્વાચિત અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહનરાવ ભાગવત અને સરકાર્યવાહ સુરેશ ઉર્ફે ભૈયાજી જોશી વચ્ચે ચાર કલાક સુધી યોજાયેલી મેરેથોન બેઠકને મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં થયેલી ચર્ચા વિશે ઔપચારિક રીતે કશુ કહેવામાં આવ્યુંનથી. જોકે એવો અંદાજ મૂકવામાં આવે છે કે આર.એસ.એસ.ના નેતૃત્વની સાથે ભાજપ અને વિહિપના ટોચના નેતાઓ વચ્ચે દેશમાં વર્તમાન અને તાજી રાજકીય ઘટનાઓની સંબંધે લોકસભાની ચૂંટણી મુદત પૂરી થયા પહેલા યોજવાની સંભાવના ચકાસવામાં આવી હતી.

દીવાળી પછીના સમયમાં કૃષિ પેદાશ બજારમાં આવશે અને અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવી જાય પછી રાજકીય લાભ અને ગેરલાભ તપાસ્યા પછી લોકસભાની મુદત પૂરી થતા પહેલા ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેની સાથોસાથ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવી શકે છે.(૩૦.૨)

(11:35 am IST)