Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દિલ્હીમાં ભારે ગરમી વચ્ચે આજે સાંજે તોફાની પવન સાથે હળવા વરસાદની સંભાવના

ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચ્યો : આજે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા

નવી દિલ્હી : આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં આજે સાંજે હળવા વરસાદની સંભાવના છે. ગઈકાલે ૪૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સાંજે તોફાની પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. જેના કારણરૂપે તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે સરકી જવા સંભવ છે.

દિલ્હી - એનસીઆરમાં છેલ્લા બે - ત્રણ દિવસોથી તાપમાનનો પારો ઉપરને ઉપર ચડી રહ્યો છે. ગત બુધવારે મહત્તમ તાપમાનથી ત્રણ ડિગ્રી ઉંચુ નોંધાયુ હતું. પાલમમાં ૪૩.૧ ડિગ્રી, સફદરજંગમાં ૪૧.૬ ડિગ્રી જયારે ગઈકાલે ૪૨ ડિગ્રીએ પારો પહોંચી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. સાંજે તોફાની પવન સાથે હળવો વરસાદ વરસી શકે છે. જેના ભાગરૂપે ગરમીમાં ઘટાડો થવા સંભવ છે.

સ્કાયમેટના જણાવ્યા મુજબ ગઈકાલે પવનની દિશા બદલાઈ હતી. દિલ્હીના નોયડા, ગાઝીયાબાદ, ફરીદાબાદમાં પૂર્વ - દક્ષિણ તો કયારેક દક્ષિણ - પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. આજ રાત સુધીમાં પ્રિ-મોન્સુનની સંભાવના છે.(૩૭.૬)

 

(11:34 am IST)