Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કેટલાક પાખંડી હિન્‍દુ ધર્મની આડમાં ખરાબ કામો કરે છે, આવા લોકોને આકરી સજા મળવી જોઇએઃ વિશ્‍વ હિન્‍દુ પરીષદના નવ નિયુકત પ્રમુખ વિષ્‍ણુ કોકજેનો આક્રોશ

નાગપુર : દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ વિશ્ હિન્દુ પરીષદના નવ નિયુકત પ્રમુખ વિષ્ણુ કોકજેએ જણાવ્યું છે કે આવા પાખંડી લોકોને આકરી સજા મળવી જોઇએ. હીન્દુ ધર્મની આડમાં ખરાબ કરતા લોકો હિન્દુ ધર્મને બદનામ કરી રહયા છે.

પાંચ વર્ષ પહેલાં જોધપુર નજીક આવેલા મણાઈ વિસ્તારના એક આશ્રમમાં કિશોરી સાથે બળાત્કાર કરવાના આરોપમાં જોધપુરની કોર્ટે બુધવારે આસારામને દોષી જાહેર કરીને ઉંમરકેદની સજા સંભળાવી છે. વિષ્ણુ કોકજેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયમાં બુધવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પછી આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 'કેટલાક પાખંડી હિંદુ ધર્મની આડમાં ખરાબ કામો કરે છે. આવા લોકોને આકરી સજા મળવી જોઈએ. કેટલાક લોકો હિંદુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. કોર્ટનો આ નિર્ણય પાખંડીઓ માટે એક પાઠ છે. લોકોએ તથાકથિત સાધુઓ પાછળ આંધળી દોડ ન લગાવવી જોઈએ.'

અયોધ્યાની વિવાદિત ભુમિ પર રામમંદિરના નિર્માણ માટે સંસદમાં કાયદો બનવાના સંદર્ભમાં વિહિપના વલણ વિશે તેમણે કહ્યું હતું કે 'અમને આશા છે કે વિલંબ વગર રામમંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. સંસદમાં કાયદાનો સવાલ છે તો એનો આધાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર રાખે છે. અમારે કોર્ટના નિર્ણયની રાહ જોવાની છે. અમે કેમ એમ વિચારીએ કે અમારી હાર જ થશે? અમે જીતી પણ શકીએ છીએ.'

(6:49 pm IST)