Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ર૮ મી જુનથી અમરનાથ યાત્રાનો પ્રારંભઃ ૪ સ્‍થળોએ ઓન ધ સ્‍પોટ રજીસ્‍ટ્રેશનની સુવિધા ઉપલબ્‍ધ

જમ્મૂ આગામી સમયમાં શરૂ થનાર અમરનાથ યાત્રાનો લાભ લેવા ઇચ્છુક ભાવીકો માટે સારા સમાચાર છે. કારણ કે યાત્રાનો લાભ લેવા ઇચ્છુકો હવે જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવી શકશે.આ સુવિધા વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મૂ હાટ અને ગીતા ભવન-રામ મંદિરમાં ઉપલબ્ધ કરવામાં આવશે.

દેશભરમાં અલગ અલગ રજિસ્ટ્રેશન સેન્ટર પર અત્યાર સુધી એક લાખથી વધારે યાત્રાળુઓ પહેલાથી જ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર ટિકિટની બુકિંગ 27 એપ્રિલથી શરુ થશે.

બુધવારના રોજ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના CEO ઉમંગ નરુલાએ જણાવ્યું કે, 60 દિવસ સુધી ચાલનારી આ અમરનાથ યાત્રા 28 જૂનના દિવસે શરુ થશે અને આ વર્ષે 20 દિવસ વધારે ચાલશે. અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટના રોજ સંપૂર્ણ થશે.

તમે પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક અથવા યસ બેન્કમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો. દરરોજ 1500 યાત્રાળુઓ યાત્રા કરી શકશે. 13 વર્ષથી નાની અને 75 વર્ષથી વધારે ઉંમરના લોકો યાત્રા પર નહીં જઈ શકે.

ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા ભારતના ચાર મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ કપરા ચઢાણ ચઢીને અમરનાથની ગુફામાં પહોંચે છે. અહીં બરફથી પ્રાકૃત્તિક રીતે બનેલા શિવલિંગના દર્શન કરે છે. આ ટ્રેકિંગ રુટ પર ઘણા સ્થળોએ ભંડારાઓ ચાલતા હોય છે અને શ્રદ્ધાળુઓ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

(9:03 am IST)