Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્‍ટન વિરાટ કોહલીને ખેલરત્‍ન અને સુનિલ ગાવસ્‍કરને ધ્‍યાનચંદ એવોર્ડ આપવા માટે બીસીસીઆઇ દ્વારા કેન્‍દ્રીય રમત ગમત મંત્રાલયમાં ભલામણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું નામ ખેલરત્ અને ધ્યાનચંદ એવોર્ડ માટે બીસીસીઆઇ દ્વારા કેન્દ્રના રમતગમત વિભાગમાં મોકલવામાં આવ્યું છે.

આ સિવાય ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને મહિલા ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને બીસીસીઆઈએ અર્જુન એવોર્ડ માટે નામાંકિત કર્યા છે. બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ આ જાણકારી આપી અને કહ્યું, અમે ભારત સરકારની પાસે નામ મોકલ્યા છે. ધવન આ સમયે આઈપીએલમાં હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે અને ભારત માટે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે મંધાના ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

વિરાટ કોહલી આ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મટેમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વિરાટે હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે 66 ટેસ્ટમાં 5554 રન અને 208 વનડેમાં 9588 રન બનાવી ચૂક્યો છે. વિરાટે વનડેમાં 35 અને ટેસ્ટમાં 21 સદી ફટકારી છે. 

વિરાટને વર્ષ 2012 અને 2017માં આઈસીસી ક્રિકેટર ઓફ ધ ઇયર જાહેર કરવામાં આવ્યો હતો. તે ઘણા લાંબા સમયથી આઈસીસી વનડે રેકિંગમાં પ્રથમ સ્થાને છે અને 909 અંક મેળવી ચૂક્યો છે. તે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે જેણે 900 અંક મેળવ્યા છે. 

બીજીતરફ સુનીલ ગાવસ્કર પોતાના જમાનાના શાનદાર બેટ્સમેન રહ્યાં છે, સૌથી પહેલા તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પુરા કર્યા હતા. જ્યારે વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો ખોફ દુનિયાભરમાં ચાલી રહ્યો હતો અને તેના બાઉન્સર રમવામાં મોટા-મોટા બેટ્સમેનો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા ત્યારે ગાવસ્કરે હેલ્મેટ પહેર્યા વગર તેની વિરુદ્ધ બેટિંગ કરવાનું સાહસ દર્શાવ્યું હતું. આઈપીએલમાં મેચ ફિક્સિંગનો મામલો આવ્યા પર તેમણે આઈપીએલની જવાબદારી લીધી હતી. સમય સમય પર તે બીસીસીઆઈમાં પોતાની સેવા આપતા રહે છે. 

(6:43 pm IST)