Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વણઝારા સમુદાયનો પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો

કર્ણાટકથી એક ચોંકાવનારા સામાચાર : અનામત મુદ્દે દેખાવો કરતા લોકો પર પોલીસે કાર્યવાહી કરતાં લાઠીચાર્જ કરીને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો

બેંગલુરૃ, તા.૨૭ : કર્ણાટકમાં હાલમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના કદાવર નેતાઓ એક પછી એક રેલીઓ સંબોધી રહ્યા છે. ત્યારે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને ચહેરો બનાવીને આ ચૂંટણી લડવામાં આવી રહી હોવાનું મનાય છે. દરમિયાન કર્ણાટકથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. યેદિયુરપ્પાના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે.  માહિતી અનુસાર આ પથ્થરમારો વણઝારા સમુદાયના દેખાવકારો દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતાં લાઠીચાર્જ કરીને દેખાવકારોને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દેખાવો અનામત મુદ્દે કરવામાં આવી રહ્યા હતા. શિવમોગ્ગામાં આવેલા નિવાસે આ હુમલો કરાયો હતો. એસસી/એસટી સમુદાયને આપવામાં આવેલી અનામતમાં ઈન્ટરનલ રિઝર્વેશન અંગે વણઝારા સમુદાયે વાંધો નોંધાવ્યો હતો. શુક્રવારે કર્ણાટકની ભાજપ સરકારે એસસી/એસટી સમુદાય માટે ઈન્ટરનલ અનામતની જાહેરાત કરી હતી. વણઝારા સમુદાયના વડા કહે છે કે સદાશિવ પંચની ભલામણથી તેમના સમુદાયને નુકસાન થશે અને રાજ્ય સરકારે આ નિર્ણયને લાગુ કરવાની જે ભલામણ કેન્દ્રને મોકલી છે તેને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે.

 

 

(7:51 pm IST)