Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સંસદમાં વિપક્ષનો બ્‍લેક ડ્રેસ પ્રોટેસ્‍ટ : રાહુલના સભ્‍યપદ અંગે હોબાળો

બંને ગૃહની કાર્યવાહી શરૂ થતા સ્‍થગિત કરાઇ વિપક્ષના તમામ સાંસદોએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો સોનિયા ગાંધી પણ થયા સામેલ : લોકસભામાં સ્‍પીકરના ચહેરા સામે કાળું કપડુ લહેરાવીને સાંસદોએ કરી નારેબાજી

નવી દિલ્‍હી તા. ૨૭ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્‍યપદ રદ્દ થવા પર રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. એકજુટ વિપક્ષે આ મુદ્દે કેન્‍દ્રની ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આ વચ્‍ચે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના તમામ સાંસદ સદનમાં કાળા કપડા પહેરીને પહોંચ્‍યા. સદન શરૂ થતા જ જોરદાર હંગામો થયો. ત્‍યાર બાદ બંન્ને સદનોને સ્‍થગિત કરી દેવામાં આવ્‍યા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્‍ય પદ રદ થયા બાદ રાજકીય સંઘર્ષ ચાલુ છે. એકજૂટ વિપક્ષે આ મુદ્દે કેન્‍દ્રની ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના તમામ સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્‍યા હતા. સોનિયા ગાંધી પણ બ્‍લેક બોર્ડર સાડી પહેરીને પહોંચ્‍યા હતા.

સંસદના બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સ્‍થગિત કરી દેવામાં આવી છે. અદાણી અને રાહુલની ગેરલાયકાત મામલે વિપક્ષના હોબાળાને કારણે રાજયસભા બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત અને લોકસભા ૪ વાગ્‍યા સુધી સ્‍થગિત કરી દેવામાં આવી છે.

રાહુલને સંસદમાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસના સાંસદો આજે કાળાં કપડાં પહેરીને સંસદ પહોંચ્‍યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ સ્‍પીકર ઓમ બિરલાના ચહેરા સામે કાળું કપડું લહેરાવ્‍યું હતું, ત્‍યારબાદ તેઓ ઊભા થઈને ચાલ્‍યા ગયા હતા.

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્‍વીટ કર્યું લોકશાહી માટે કાળો અધ્‍યાય! શાસક પક્ષ પહેલીવાર સંસદને ઠપ્‍પ કરી રહ્યા છે. શા માટે? કારણ કે મોદીજીના બેસ્‍ટ ફ્રેન્‍ડનાં કાળાં કાર્યોનો પર્દાફાશ થઈ રહ્યો છે! એકજૂથ વિપક્ષ થ્‍ભ્‍ઘ્‍દ્ગક માંગ પર કાયમ રહેશે.

ગૃહની શરૂઆત થતા જ અદાણી અને રાહુલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. આ પછી બંને ગૃહ સ્‍થગિત કરી દેવામાં આવ્‍યા હતા. એવું માનવામાં આવે છે કે રાહુલની સદસ્‍યતા રદ કરવાના લોકસભા સચિવાલયના નિર્ણયનો વિરોધ કરવા સાંસદ કાળા કપડા પહેરીને પહોંચ્‍યા હતા.

આ પહેલા કોંગ્રેસની અધ્‍યક્ષતામાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ, DMK, SP, JDU, BRS, CPM, RJD, NCP, CPI, IUML, MDMK, KC, TMC, RSP, AAP, જમ્‍મુ કાશ્‍મીર એનસી, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના સાંસદોએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠક સંસદમાં સ્‍થિત મલ્લિકાર્જુન ખડગેની ચેમ્‍બરમાં થઈ હતી. આ સભામાં મોટાભાગના નેતાઓ કાળા કપડા પહેરીને પહોંચ્‍યા હતા.

(3:34 pm IST)