Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મહારાષ્ટ્ર સરકારમાં ફરી ડખ્ખો : કોંગ્રેસે સંજય રાઉતને શરદ પવારના પ્રવકતા ગણાવતા ભડકો

શરદ પવારને યુપીએના અધ્યક્ષ બનાવવાની વાત પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે સંજય રાઉતને ઝાટક્યા

મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ ઓછી થતી નથી સરકારમાં સામેલ કોંગ્રેસે શિવસેના અને શરદ પવાર પર જ હુમલો કરી દીધો છે. આથી કોંગ્રેસ અને શિવસેના વચ્ચે મતભેદ ખુલાને સામે આવી ગયા છે. શનિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, શિવસેના સાંસદ સંજય રાઉત એનસીપી ચીફ શરદ પવારના પ્રવક્તા બની ગયા છે. તેમણે આવું એટલા માટે કહ્યું કારણ કે ગત દિવસોમાં સંજય રાઉતે કહ્યું હતુ કે શરદ પવારને યૂનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયંસ એટલે UPAના અધ્યક્ષ બનાવી દેવા જોઇએ. જણાવી દઇએ કે, હાલમાં UPAના અધ્યક્ષ સોનિયા ગાંધી છે.

શિવસેનાનાં નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી (MVA)ની સરકારનો હિસ્સો કોંગ્રેસ પણ છે.

શનિવારે કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રાજ્યસભા સાંસદ અને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પર હુમલો કરતા કહ્યુ,' સંજય રાઉત શરદ પવારના પ્રવક્તા બની ગયા છે. શિવસેવા યૂપીએનો ભાગ નથી. માટે તેમને આ પ્રકારના નિવેદન આપવાનો કોઇ અધિકાર નથી'. તેમણે આગળ કહ્યું કે તે આ મામલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે અમે અમારી લીડરશિપને લઇ આવા કોઇ નિવેદનો સ્વીકારીશું નહીં.

આ અઠવાડિયે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે શરદ પવારને યૂપીએના અધ્યક્ષ બનાવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું,'જો તમે દેશમાં વિપક્ષને મજબૂત કરવા માંગો છો તો શરદ પવાર જેવા નેતાને યૂપીએના અધ્યક્ષ બનાવા જોઇએ. તેમની લીડરશિપ તમામ લોકોને સ્વીકાર્ય છે.' તેમણે એવું પણ કહ્યું હતું કે, દેશમાં ગણી એવી પાર્ટીઓ છે, જે ન તો એનડીએનો ભાગ છે અને ન તો યૂપીએ નો. આવી પાર્ટીઓને યૂપીએમાં સામેલ કરવી જોઇએ.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે આ શબ્દોના યુદ્ધને 'કેટ ફાઇટ' ગણાવી હતી. તેમણે કહ્યું,'ટીમનો 16મો ખેલાડી માગ કરી રહ્યો છે કે કોને કેપ્ટન બનવું જોઇએ. જે ટીમથી બહાર હોય, તેની આવી કોઇ માંગની કોઇ વેલ્યૂ નથી હોતી.'

(11:47 pm IST)