Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મ્યાનમારમાં તખ્તાપલટાનો વિરોધ : સેનાના ગોળીબારમાં 89 પ્રદર્શનકારીઓનાં મોત

યાંગુન અને બીજાં શહેરોમાં વિરોધ પ્રદર્શન : દેશનાં 40 શહેરોમાં સંખ્યાબંધ પ્રદર્શનકારીઓ ઘાયલ

મ્યાનમારમાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં લોકો 'આર્મ્ડ ફોર્સિઝ ડે' ના દિવસે રસ્તાઓ પર ઊતરી આવતાં સેનાએ તેમની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યોં હતો. જેથી સેનાના ગોળીબારમાં 89 પ્રદર્શનકારીઓનાં મોત થયા છે.

આસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પોલિટિકલ પ્રિઝનર્સ અનુસાર 89 પ્રદર્શનકારીઓનાં મોત થયા છે.તખ્તાપલટા સામે લોકોએ યાંગુન અને બીજાં શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તખ્તાપલટો કરનાર નેતા મિંગ આંગ હેલીંગે શનિવારે ટીવી સંબંધોનમાં નિવેદન આપ્યું હતું કે તેઓ લોકશાહીને બચાવશે અને ચૂંટણીઓ યોજાવામાં આવશે. જોકે તેમણે ચૂંટણી માટેની કોઈ તારીખ જણાવી નહોતી.

1 ફેબ્રુઆરીએ જ્યારથી સેનાએ તખ્તાપલટો કર્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શનમાં 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

શુક્રવારે સરકારી ચેનલે એક કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું જેમાં લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે, ''અગાઉ જે લોકોનાં મૃત્યુ થયાં છે તેમના દુઃખથી તેમણે શીખવું જોઈએ કે તમને પણ માથામાં અને પીઠમાં ગોળી વાગી શકે છે.

મ્યાનમાર નાઉ મુજબ દેશનાં 40 શહેરોમાં સંખ્યાબંધ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા

સમાચાર સંસ્થા 'ધ ઇરાવડ્ડી' અને 'મ્યાનમાર નાઉ'ના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધ પ્રદર્શનો થયાં એ અત્યારસુધીના સૌથી લોહીયાળ વિરોધ પ્રદર્શન છે.

મ્યાનમાર નાઉ મુજબ સાંજે 4-30 વાગ્યા સુધી દેશનાં 40 શહેરોમાં 91 લોકોનાં મૃત્યુ થયાં છે.

ધ ઇરાવડ્ડીનાં અહેવાલ અનુસાર 28 જગ્યાએ 59 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 3 બાળકો પણ સામેલ છે.

સેના દ્વારા હિંસા અચારવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હોવા છતાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં ઍક્ટિવિસ્ટોએ શનિવારે મોટાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

વિરોધ પ્રદર્શન કરતાં લોકોને રૅલી કરતાં અટકાવવા માટે સમગ્ર દેશમાં, ખાસ કરીને યાંગુનમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં હતા. યાંગુનમાં યુએસ કલ્ચરલ સેન્ટરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુએસ ઍમ્બેસીએ જણાવ્યું કે ગોળીબારથી કોઈને પણ ઈજા થઈ નથી.

ઍમ્બેસીએ નિઃશસ્ત્ર લોકોની હત્યા કરવા બદલ મ્યાનમારની સેનાની નિંદા કરી છે અને મ્યાનમાર નાઉ અનુસાર ચાર મૃત્યુ યાંગુનના ડાલા પરામાં પોલીસ સ્ટેશનની બહાર થયા હતા.

સાક્ષીઓ અને સૂત્રોએ બીબીસી બર્મીઝને જણાવ્યું કે મેગવે, મોગોક, ક્યોકપડાઉંગ અને મયાંગોનનાં શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં મૃત્યુ થયાં છે.

મ્યાનમારના બીજાં સૌથી મોટા શહેર મંડલેના માર્ગો પર લોકોનાં મૃત્યુ થયાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોએ નૅશનલ લીગ ફૉર ડેમૉૉક્રેસી (એનએલડી)નો ધ્વજ હાથમાં લીધો હતો, જે અટકાયતમાં લવાયેલા નાગરિક નેતા આંગ સાન સુ કીની પાર્ટીનો ધ્વજ છે.

એક પત્રકારે એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું કે પોલીસે ઉત્તર-પૂર્વ શહેર લાશીયોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે દારૂગોળાનો ઉપયોગ કર્યો હતો.

મ્યાનમારમાં આવેલા ઇયુના પ્રતિનિધિ મંડળે કહ્યું: "મ્યાનમારનો આ 76મો આર્મ્ડ ફોર્સિઝ ડે આંતક અને અપમાનના દિવસ તરીકે યાદ રહેશે. બાળકો સહિત નિઃશસ્ત્ર લોકોની હત્યા અમાનવિય કૃત્ય છે."

એન્ટી-જન્ટા જૂથ સીઆરપીએચના પ્રવક્તા ડૉ. સાસાએ રોઇટર્સને જણાવ્યું કે, આ સશસ્ત્ર દળો માટે શરમજનક દિવસ છે.

(11:35 pm IST)