Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

માઁ વૈષ્ણોદેવી મંદિરમાં છેલ્લા 20 વર્ષમાં સુવર્ણ ભંડાર ભરાયા : 1,800 કિલોથી વધુ સોનું અને 4,700 કિલો ચાંદી ભેટમાં મળ્યું

ઉપરાંત ભક્તોએ દાન પેટે લગભગ 2000 કરોડ આપ્યા: આરટીઆઇમાં થયો ખુલાસો

 નવી દિલ્હી : ભક્તો દેશભરના મંદિરોમાં પ્રસાદરૂપે રૂપિયા, સોના-ચાંદી અર્પણ કરે ક છે.માતા વૈષ્ણોદેવી મંદિરમાં કરોડો રૂપિયાના સોના-ચાંદી દર વર્ષે દાન તરીકે અર્પણ કરવામાં આવે છે.

એક આરટીઆઈ અનુસાર, વર્ષ 2000 થી 2020 દરમિયાન છેલ્લા 20 વર્ષમાં માતા વૈષ્ણો દેવીને દાન તરીકે 1,800 કિલોથી વધુ સોનું અને 4,700 કિલો ચાંદી ભેટ સ્વરૂપે મળ્યું છે. આ ઉપરાંત ભક્તોએ દાન પેટે લગભગ 2000 કરોડ આપ્યા છે.

આ આરટીઆઈ કુમાઉના આરટીઆઈ એક્ટિવિસ્ટ હેમંત ગૌનીયાએ ફાઇલ કરી હતી. એક સમાચાર પત્રને  હેમંતે કહ્યું કે, દાનની માહિતી મેળવવા માટે તેમણે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં આરટીઆઇ દાખલ કરી હતી. બાદમાં આ આરટીઆઈ કટરા ખાતે આવેલ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડને મોકલવામાં આવી હતી

તેમણે કહ્યું, ‘હું જાણવા માંગતો હતો કે આ વર્ષો દરમિયાન મંદિરને દાન તરીકે કેટલું ધન પ્રાપ્ત થયું. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે. મને અપેક્ષા નહોતી કે મંદિરને વર્ષોથી સોના, ચાંદી અને રોકડ રૂપે આટલી મોટી રકમ દાનમાં પ્રાપ્ત થઈ છે.

 

વૈષ્ણો દેવી મંદિર હિન્દુ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. બારીદરો વર્ષોથી આ મંદિરની પૂજા અને સંચાલન કરી રહ્યા હતા, પરંતુ 1986 માં સરકારે તેને તેમના નિયંત્રણમાં લઈ શ્રાઇન બોર્ડની રચના કરી. ત્યારથી આ બોર્ડ મંદિરની દેખરેખ તે રાખે છે અને તેનું સંચાલન કરે છે.

  મંદિર પર પણ કોરોના રોગચાળાની અસર પણ  જોવા મળી હતી. જેમાં આરટીઆઈમાં બહાર આવ્યું છે કે કોરોનાને કારણે ભક્તોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. વર્ષ 2000 થી અહીં દર વર્ષે 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

(9:09 pm IST)