Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વાઘણના મોત બાદ અચાનક ચાર બચ્ચા ગાયબ થઈ ગયા

વાધણના ચારેય બચ્ચાં ૧૨ દિવસે અચાનક પ્રગટ થયા : વાઘનું બચ્ચું જો ખોરાક ના મળે તો વધુમાં વધુ આઠ દિવસ જ જીવતું રહી શકે છે, વન અધિકારીઓ પણ સ્તબ્ધ છે

પિલિભીત,તા.૨૭ : જંગલના કાયદા અલગ હોય છે. અહીં બળિયાના બે ભાગ જ્યારે કમજોર માટે અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ હોય છે. જંગલના સૌથી ખૂંખાર પ્રાણી ગણાતા વાઘના બચ્ચા પણ જંગલના કાયદાથી બાકાત નથી. સામાન્ય રીતે વાઘનું બચ્ચું આઠ મહિનાનું થઈ જાય પછી તે પોતાના દમ પર અસ્તિત્વ ટકાવી શકે છે. જોકે, તેના પહેલા તેના માટે જંગલમાં પોતાની માતા વિના ટકવું મુશ્કેલ હોય છે, અને ખોરાક વિના તે વધુમાં વધુ આઠ દિવસ જીવતા રહી શકે છે. જોકે, પિલિભીત ટાઈગર રિઝર્વમાં હાલના દિવસોમાં કંઈક એવું જોવા મળ્યું છે કે જેનાથી વનખાતાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં ગરકાવ છે. વર્ષોની નોકરી દરમિયાન આવી ઘટના ક્યારેય ના જોનારા અધિકારીઓને માંડ બે મહિનાની ઉંમર ધરાવતા વાઘના ચાર બચ્ચા નવાઈ પમાડી રહ્યા છે.

ચારેય બચ્ચાની માનું ૧૨ દિવસ પહેલા મોત થયું હતું. ૧૪ માર્ચે મોતને ભેટેલી વાઘણનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. જેને જોઈને લાગતું હતું કે બે દિવસ પહેલા તેનું મોત થયું હશે. તે વખતે ફોરેસ્ટની ટીમને વાઘણના મૃતદેની આસપાસ ફરતા બે મહિનાના ચાર બચ્ચા પણ દેખાયા હતા. જોકે, બચ્ચાને રેસ્ક્યુ કરાય તે પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા. તેમનો પત્તો લગાવવાની ઘણી કોશીશ થઈ, પરંતુ તેમાં સફળતા ના મળી. મોતને ભેટેલી વાઘણના બચ્ચા અચાનક ગાયબ થઈ જતાં ફોરેસ્ટના અધિકારીઓ ચિંતામાં આવી ગયા હતા. કારણકે, આટલા નાના બચ્ચાં માટે જંગલમાં ટકવું લગભગ અશક્ય હતું. કોઈ બીજા પ્રાણી તેમનો શિકાર કરી લે કે પછી કોઈ શિકારી તેમને મોતને ઘાટ ઉતારે તે ઉપરાંત ભૂખ-તરસથી બચ્ચાંનું મોત થવાની પણ પૂરી શક્યતા હતી.

વાઘણ જ્યાં મોતને ભેટી હતી ત્યાં બચ્ચા ચોક્કસ આવશે તેવી આશા સાથે વિસ્તારમાં ૨૫ કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા. જોકે, કોઈ બચ્ચું કેમેરામાં જોવા નહોતું મળ્યું. આસપાસના વિસ્તારોમાં બચ્ચાની સઘન શોધખોળ ચલાવવાનું પણ કોઈ પરિણામ નહોતું આવ્યું આખરે ૧૮ માર્ચે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બચ્ચાને શોધવાનું મિશન પડતું મૂક્યું હતું. સામાન્ય રીતે વાઘના બચ્ચા ૪૦ દિવસના થાય ત્યારથી તેઓ માંસ ખાતા થઈ જાય છે,

પરંતુ ખોરાક માટે તો તેઓ માતા પર નિર્ભર રહે છે. એક તરફ માતાના મોત બાદ ચારેય બચ્ચા ગુમ થઈ જતાં તેઓ પણ જીવતા રહેશે કે કેમ તેની વનખાતાના અધિકારીઓને ચિંતા હતી, તેવામાં બુધવારે સવારે જંગલમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમને બચ્ચાનાં પગના નિશાન જોવા મળ્યા. વાઘણનું જ્યાં મોત થયું હતું, તેનાથી નિશાન એક કિલોમીટર દૂર હતા. તેને જોઈને થોડા કલાકો સર્ચ કર્યા બાદ ચારેય બચ્ચાં જંગલમાં હેમખેમ મળી આવ્યા હતા. બે મહિનાના બચ્ચા ૧૨ દિવસ સુધી ભૂખ્યા કેવી રીતે જીવતા રહ્યા, તે સવાલનો જવાબ શોધવા વનખાતાના અધિકારીઓ પણ મથી રહ્યા છે.

તેમનું માનવું છે કે, જંગલમાં ઉભા કરવામાં આવેલા પાણીના સ્રોત બચ્ચાઓને ટકી રહેવામાં મદદરુપ બન્યા હોય તેવી શક્યતા છે. તેના કારણે તેમના શરીરમાં પાણીનું લેવલ ઓછું ના થયું, તેમ પિલિભીત ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર નવીન ખંડેલવાલનું માનવું છે. બચ્ચાંનું રેસ્ક્યુ કરાયા બાદ તેમને ઈલેક્ટ્રોલેટ્સ તેમજ બકરીનું દૂધ આપવામાં આવ્યું હતું. તેમની સાથે માણસનો વધારે કોન્ટેક્ટ ના થાય તે હેતુથી હજુ સુધી બચ્ચાંનું વજન પણ નથી કરાયું. ચમત્કાર કહેવાય તેવી ઘટનામાં જીવતા બચી ગયેલા બચ્ચાંની વધુ સારી સંભાળ લઈ શકાય તે માટે હવે તેમને લખનઉના ઝૂમાં મોકલવામાં આવી રહ્યા છે. જોકે, તેમનામાં જંગલમાં રહેવાના ગુણો જળવાઈ રહે તે માટે પિલિભીત ટાઈગર રિઝર્વના અધિકારીઓ નિયમિત રીતે બચ્ચાની દેખભાળ રાખતા રહેશે.

(7:42 pm IST)