Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ડ્રાયવિંગ લાયસન્સ, આરસી રજિ.ની મુદત ૩૦ જૂન કરાઈ

સરકારે પાંચમી વખત તારીખમાં ફેરફાર કર્યો : કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે ૩૦મી માર્ચ, ૯મી જૂન, ૨૭ ડિસે. સુધી અગાઉ મુદત વધારાઈ હતી

નવી દિલ્હી, તા.૨૭ : કોરોના મહામારીનું સંક્રમણ વધી જતાં કેન્દ્ર સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ , પરમિટ અને આરસી રિન્યૂ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે રિન્યૂની છેલ્લી તારીખ ૩૦મી જૂન થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના વાહન અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને બધા રાજ્યોને ડ્રાઈવિંગ લાઈસન્સ અને આરસી રિન્યૂની તારીખ ૩૦મી જૂન સુધી કરવાની ભલામણ કરી છે. પહેલાની જાહેરાત પ્રમાણે છેલ્લી તારીખ ૩૧મી માર્ચ હતી.

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ અને કેન્દ્રીય મોટર વાહન નિયમ સાથે સંબંધિત દસ્તાવેજોની ખરાઇની સમયમર્યાદાને અનેકવાર વધારાઇ છે. વાહન અને પરિવહન મંત્રાલયે રાજ્ય સરકારોને સલાહ પણ આપી છે કે, ફેબ્રુઆરીથી સમાપ્ત થયેલા દસ્તાવેજોની માન્યતા ૩૦ જૂન, ૨૦૨૧ સુધી માન્ય ગણી શકાય. પરામર્શમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને ૩૦ જૂન ૨૦૨૧ સુધી આવા દસ્તાવેજોને માન્ય માનવાની સલાહ આપવામાં આવે છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક અને પરમિટ જેવા વાહનોને લગતાં દસ્તાવેજોને રજિસ્ટર કરવાની છેલ્લી તારીખ ૩૦મી જૂન ૨૦૨૧ કરાઈ છે. પાંચમી વખત તારીખમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું.

કોરોનાના કારણે લોકડાઉન આવ્યું ત્યારે ૩૦મી માર્ચ સુધી સમયમર્યાદા વધારાઈ હતી તે પછી ૯મી જૂન ૨૦૨૦ કરાઈ હતી, તે પછી ૨૪મી ઓગસ્ટ ૨૦૨૦, ત્યારબાદ ૨૭મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ વાહન અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું હતું.

ફેબુ્રઆરીમાં જે લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી તેમનું લાઈસન્સ હવે મી ૩૦ જૂન સુધી માન્ય રાખવામાં આવતા લાઈસન્સની સમયમર્યાદા પૂરી થઈ છે એવા અનેક લોકોને રાહત થશે.

(7:40 pm IST)