Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

હવે ૪૦થી નીચેની વયના લોકોને સાણસામાં લેતો કોરોના : નાગપુરમાં જોવા મળ્યા ઘણા કેસ

કુલ દાખલ ૧૬૦ દર્દીઓમાંથી ૨૧ ટકા ૪૦ વર્ષથી નીચેના

નાગપુર તા. ૨૭ : નાગપુરમાં કોવીડ-૧૯ની બીજી લહેરની સાથે જ પહેાલ જેવા પડકારો પણ આવ્યા છે. હોસ્પિટલો પર દબાણ વધી રહ્યંુ છે અને ધંધાને પણ અસર થઇ રહી છે. નાગપુરમાં સૌથી મોટી ખાનગી હોસ્પિટલ કિંગ્સવે હોસ્પિટલના ડોકટર રાજન બરોડકરે કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ થનારાઓની દૈનિક યાદી જોતા દર વખતે એક અલગ ચિંતા સતાવે છે. કિંગ્સવે હોસ્પિટલના ક્રિટીકલ કેર વિભાગના હેડ કરોડકરે કહ્યું કે, અમારી હોસ્પિટલમાં કોરોનાના ૧૬૦ દર્દીઓ છે. જેમાંથી લગભગ ૨૧ ટકા ૪૦ વર્ષથી ઓછી વયના છે. જેમાંથી કેટલાક ક્રિટીકલ કેર વોર્ડમાં દાખલ છે, તેમાં એક ૧૭ વર્ષનો નવયુવક પણ છે. આ અત્યંત ચિંતાજનક વાત છે. ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ થનારા દર્ર્દીઓમાં ૪૦ વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યા અત્યંત ઓછી હતી અને આઇસીયુમાં તો તે નહીં જેવી હતી.

હોસ્પિટલે ગયા વર્ષે ઓગસ્ટમાં ૭૦ બેડ સાથે કોવીડ કેન્દ્રની શરૂઆત કરી હતી. ત્યાર પછીથી બેડની સંખ્યા વધીને ૧૬૦ થઇ ગઇ છે. પણ નાગપુર અને મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના પાડોશી જિલ્લાઓના ગંભીર દર્દીઓ માટે આટલા બેડ ઓછા સાબિત થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગત સાત દિવસોમાં અમારા બધા બેડ ભરાઇ ગયા છે અને ૧૫ થી ૨૦ દર્દીઓ દાખલ થવા માટેના વેઇટીંગ લીસ્ટ પર છે. સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે અને બીજી લહેરમાં વાયરસ આખા પરિવારને સંક્રમિત કરી રહ્યો છે. ખાલી નાગપુર જિલ્લામાં જ ગુરૂવારે કોરોનાના ૩૭૬૦ નવા કેસો નોંધાયા છે. હાલમાં કુલ સક્રિય કેસોની સંખ્યા ૩૫૦૦૦થી પણ વધારે થઇ ગઇ છે જેનાથી તે દેશમાં પૂણે પછી બીજા નંબરનો અસરગ્રસ્ત જીલ્લો બની ગયો છે.

(2:45 pm IST)