Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

વર્સેટાઇલ ગાયીકા હિમાલી વ્યાસ નાયકનું હોળી ગીત 'શ્યામ રંગ' રજૂ થશે સોમવારે ધૂળેટીના દિવસે

ભારતીય શાસ્ત્રીયી સંગીતથી લઇને લોક સંગીત, ફયુઝન અને વેસ્ટર્ન એમ અનેક પ્રકારના સંગીતને આવરી લેતી રચનાઓ આપ્યા બાદ વધુ એક નઝરાણું : યુ-ટ્યુબ પર નિહાળી શકશે ચાહકોઃ ગીતનું લેખન સુપ્રસિધ્ધ ગાયક-સ્વરકાર આશિતભાઇ દેસાઇનું અને કમ્પોઝિશન આલાપ દેસાઇનું : શ્યામને વિનવતી રાધાના મનોભાવ વ્યકત થયા છે આ ગીતમાં : શ્યામ રંગ... બે અલગ અલગ રાગ પર આધારીત ગીત : હિમાલી અને આલાપ ૨૦૧૯માં લંડન ખાતે હતાં ત્યારે આ ગીતની રચનાનો વિચાર આવ્યો હતો

રાજકોટ તા. ૨૭: અલગ અને નોખા અનોખા ગીત-સંગીત આપવા માટે જાણીતા મુંબઇના ગાયીકા હિમાલી વ્યાસ નાયક દેશ વિદેશમાં અસંખ્ય ચાહકો ધરાવે છે. તેમનું વધુ એક ગીત 'શ્યામ રંગ' રંગોના પર્વ ધૂળેટીના દિવસે ૨૯ માર્ચના રિલીઝ થઇ રહ્યું છે. આ ગીત હોળીના તહેવારને અનુલક્ષીને બનાવાયું છે. જેની સંકલ્પના અને પ્રસ્તુતિ હિમાલી વ્યાસ નાયકના છે.  ગીત સાંભળતા જ મન પ્રફુલ્લીત થઇ જાય જશે.

હિમાલી વ્યાસ નાયકે ગાયેલા આ ગીતનું લેખન આશિતભાઇ દેસાઇ અને કંપોઝીશન આલાપ દેસાઇએ કર્યુ છે. વર્સેટાઇલ ગાયીકા હિમાલી આ ગીતમાં બરાબરના ખીલ્યા છે. તેમણે ઠુમરી અંગના આ ગીતની રચનામાં શાસ્ત્રીય સંગીતના બે રાગ આભોગી અને બાગેશ્રીનું મિશ્રણ કર્યુ છે. આ જબરદસ્ત ગીતની રચના કરવાનો વિચાર હિમાલી વ્યાસ નાયક અને આલાપ દેસાઇને ૨૦૧૯માં ત્યારે આવ્યો હતો જ્યારે તેઓ લંડન ખાતે એક કાર્યક્રમની ટૂર પર હતાં. એ પછી હવે આ ગીત રજૂ કરાયું છે.

ગીત વિડીયોનું નિર્દેશન દિપ ટચક અને તેમની ટીમે કર્યુ છે. જ્યારે નૃત્ય અને અભિનયનું નિર્દેશન ઉત્કર્ષ ચતુર્વેદીનું છે. ગીતમાં બાંસુરી વાદન સંદિપ કુલકર્ણીએ અને ગીટાર વાદનમાં ચિન્ટુસિંઘ વશિરે કલા પીરસી છે. આ બંને બોલીવૂડમાં પણ ખુબ જાણીતા કલાકાર તરીકે સ્થાપિત છે.  આ ગીતનું શુટીંગ સ્વાતિ અને નિશિથ દેસાઇના સુંદર પ્રાંગણ શ્રી રંગેશ્વર ધ્યાન બિંદુ ખાતે કરવામાં આવ્યું છે.

શ્યામને વિનવતી રાધાના મનોભાવને વ્યકત કરતું આ ગીત પારંપરિક ગીતશૈલી 'હોરી'ની યાદ અપાવે તેવું છે. અગાઉ હિમાલી વ્યાસ નાયકએ પોતાની યુ-ટ્યુબ ચેનલ પરથી ભારતીય શાસ્ત્રીય સંગીતથી માંડીને લોક સંગીત, ફયુઝન અને વેસ્ટર્ન એમ અનેક સંગીતના પ્રકારોને આવરી લેતાં ગીતો-રચનાઓ આપ્યા છે, રિલીઝ કર્યા છે. જે તેમના અસંખ્ય ચાહકોમાં ખુબ જ લોકપ્રિય છે.

હિમાલી વ્યાસ નાયક ગુજરાતી આર્ટિસ્ટ તરીકે દેશ વિદેશમાં જાણીતા છે. સંગીતકાર, ગાયીકા, સોંગ રાઇટર, પરર્ફોમર એમ એકમાં અનેક આવડત તેમનામાં સંગ્રહાયેલી છે. તેઓ સંગીત ક્ષેત્રે સતત નવું આપવા ટેવાયેલા છે. સંગીત તેમને વારસામાં મળેલુ છે તેમ પણ કહી શકાય. માત્ર ચાર વર્ષની ઉમરથી તેમણે કલાસિકલ સંગીતની તાલિમ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ઇન્ડિયન કલાસિકલ મ્યુઝિકમાં સંગીત વિશારદની ડીગ્રી પણ મેળવેલી છે. તેમણે મેવાતી અને બનારસ ઘરાનામાં વીસ વર્ષ સુધી તાલિમ લીધી છે. ગુજરાત સંગીત નાટક અકાદમી આયોજીત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાસીક મ્યુઝિક કોમ્પીટીશનમાં પણ તે વિજેતા થયા હતાં. અનેક એવોર્ડ તેમણે સંગીત ક્ષેત્રે મેળવીને નામ રોશન કર્યુ છે.

તેમનું નવું ગીત 'શ્યામ રંગ' ૨૯મી માર્ચના ધૂળેટીના દિવસે રિલીઝ થશે. આ ગીત સાંભળવા-નિહાળવા માટે અહિ આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છે.

https://youtube.com/channel/UCunnPMPJ96ESman_WMga7wA

(3:16 pm IST)